અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકબાજુ, બોગસ શેલ કંપનીઓના નામે કરોડોના ટ્રાન્ઝેકશન કરનારી કંપનીઓ પર તવાઇ બોલાવી રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ૨૦ લાખ જેટલા શેર ટ્રાન્ઝેકશનમાં ગંભીર ગેરરીતિનો મામલો જારશોરથી ચગ્યો હતો. સમગ્ર કેસની ગંભીરતા ધ્યાને લઇ જસ્ટિસ વિપુલ એમ.પંચોલીએ આ સમગ્ર મામલે સિકયોરિટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)ને ચાર સપ્તાહમાં કાયદાનુસાર નિર્ણય લેવા બહુ મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે આ સમગ્ર કેસમા સેબી એકટની જાગવાઇઓને ધ્યાનમાં લઇ સમગ્ર કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ. કંપનીના ૨૦ લાખ જેટલા શેર્સ વિદેશની બોગસ કંપનીઓમાં ટ્રાન્ઝેકશનમાં ગંભીર ગેરરીતિ અને કંપનીના જ ફંડની નાણાંકીય ઉચાપત અને ભંડોળના દૂરપયોગ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કરતી મહત્વની રિટ અરજી ખુદ ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં હાઇકોર્ટે આ અગત્યનો હુકમ જારી કર્યો હતો.
ખૂબ જ મહત્વના સંવેદનશીલ અને ટેકનીકલ મુદ્દાઓ ઉપÂસ્થત કરતા એવા આ કેસમાં કેન્દ્ર સરકાર, સેબી અને ખુદ કેન્દ્રીય નાણા મંત્રાલયને પ્રતિવાદી પક્ષકાર બનાવાયા હતા. અરજદાર ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી દ્વારા કરાયેલી રિટ અરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ સિધ્ધાર્થ ખેસકાનીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર સને ૨૦૧૭માં કંપનીના ડાયરેકટર બન્યા ત્યારે બુક્સ ઓફ એકાઉન્ટની ચકાસણી દરમ્યાન તેમના ધ્યાનમાં આવ્યું કે, સીંગાપોરની બે કંપનીઓ કેસલસાઇન પીટીઇ લિ. અને લીડહેવન પીટીઇ લિ. સાથે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના દસ-દસ લાખ શેર ટ્રાન્ઝેકશન થયા હતા. આ બંને કંપનીઓ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી સ્ટ્રક ઓફ(ફડચામાં ગયેલી) હતી. પરંતુ નવેમ્બર-૨૦૧૮માં પાછળથી રિસ્ટોર(પુર્નજીવિત) થઇ હતી. આ બંને કંપનીઓ ૨૦૧૪માં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના દસ-દસ લાખ શેર્સ ધરાવતાં હોવાછતાં સીંગાપોર સરકાર સમક્ષ એવું ખોટું ડેકલેરેશન જાહેર કર્યુ હતુ કે, તેમની પાસે કોઇ એસેટ્સ કે લાયેબિલીટી નથી.
વાસ્તવમાં આ બંને કંપનીઓ કે જેના ડાયરેકટર અશોક ભંડારી અને નાગકાવ્યા હતા, તે કંપનીઓ ઇલેકટ્રોથર્મ કંપનીના કુલ શેર્સનો ૧૮ ટકા હિસ્સો ધરાવતી હતી. અરજદારપક્ષ દ્વારા રિટ અરજીમાં આ વીસ લાખ શેર્સ ટ્રાન્ઝેકશન-ખરીદવામાં વાસ્તવમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના જ ફંડનો દૂરપયોગ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. બાદમાં સીંગપોરની ઉપરોકત બંને કંપનીઓએ ઇલેક્ટ્રોથર્મ કંપની પાસેથી ડુપ્લીકેટ શેર્સ માંગ્યા હતા, જેની સામે અરજદારે બોર્ડ મીટીંગમાં સખત વાંધો લીધો હતો અને સમગ્ર કૌભાંડ મામલે તા.૨૮-૧-૧૯ના રોજ સેબીમાં ફરિયાદ કરી તપાસ માંગી હતી.