મુંબઈ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૭૪૦૨.૯૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળામાં સૌથી વધુ વધારો થયો હતો. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આરઆઈએલ, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, આઈસીઆઇસીઆઈ સહિત સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો જ્યારે ટીસીએસ, આઈટીસી અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. એસબીઆઈની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૨૦૨૬૦.૫૪ કરોડ રૂપિયા વધીને ૨૮૬૩૦૧.૫૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
આરઆઈએલની માર્કેટ મૂડી ૧૩૨૯૭.૬૬ કરોડ રૂપિયા વધીને ૮૬૩૯૯૫.૬૬ કરોડ સુધી પહોંચી ગઈ છે. બીજા નંબર ઉપર રહેલી ટીસીએસની માર્કેટ મૂડી કરતા તેની માર્કેટ મૂડી હવે ખુબ વધી ગઈ છે જેથી લાંબા સમય સુધી માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક જાળવી રાખે તેવી શક્યતા છે. એચડીએફસી બેંક અને એચયુએલની માર્કેટ મૂડી ક્રમશઃ ઘટી રહી છે. કોટક મહિન્દ્રા બેકની માર્કેટ મૂડીમાં ૩૨૩.૬૪ કરોડ સુધીનો વધારો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૮૬.૭૧ કરોડ રૂપિયા વધી છે.
બીજી બાજુ જે કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે તેમાં એચડીએફસીનો સમાવેશ થાય છે. તેની માર્કેટ મૂડી ૨૫૪૪.૬૨ કરોડ રૂપિયા ઘટી છે જેથી તેની મૂડી ૩૩૮૬૫૮.૩૮ કરોડ થઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૫૯૩.૯૬ કરોડ ઘટી ગઈ છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૭૫૦૬૨૭.૦૪ કરોડ થઇ છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. ટોપ ટેન રેંકિંગ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે ટીસીએસ બીજા, એચડીએફસી બેંક ત્રીજા સ્થાન ઉપર છે. એસબીઆઈ,આઈસીઆઈસીઆઈ બેંક માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટોપ ટેનમાં સામેલ છે. છેલ્લા સપ્તાહના ગાળામાં સેંસેક્સ ૫૦૮ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો.