નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં સહારનપુરમાં દલિત આંદોલન વેળા ચહેરા તરીકે ઉભરેલા ચંદ્રશેખર લોકસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. વારાણસીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવાની જાહેરાત બાદ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ચંદ્રશેખર ઉપર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે, ચંદ્રશેખર ભાજપના ગુપ્તચર તરીકે છે. ભાજપના ઇશારે ચંદ્રશેખર ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના ચૂંટણી લડવાને લઇને માયાવતીએ કહ્યું છે કે, ભાજપનું કાવતરું છે. માયાવતીએ ઉમેર્યું છે કે, દલિતોના મતમાં ગાબડા પાડીને ભાજપને લાભ પહોંચાડવા માટે ચંદ્રશેખરને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે ગુપ્તરીતે કાવતરુ ઘડી કાઢ્યું છે.
પહેલા ચંદ્રશેખરને બસપમાં મોકલવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જે સફળ રહ્યા નથી. ભાજપ ઉપર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું હતું કે, ચંદ્રશેખરની આડમાં દલિત વિરોધી માનસિકતા દર્શાવવાના પ્રયાસ ભાજપ તરફથી થઇ રહ્યા છે. જાતિવાદી અને સાંપ્રદાયિક પાર્ટી ભાજપને સત્તાથી દૂર કરવા માટે એક-એક મત કિંમતી દેખાઈ રહ્યા છે. સહારનપુરમાં જાતિય હિંસાને લઇને ચર્ચામાં આવેલી ભીમ આર્મીને ભાજપની પ્રોડક્ટ તરીકે ગણાવીને માયાવતીએ આ ગઠબંધનની સાથે કોઇપણ પ્રકારના સંબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો છે. સહારનપુરમાં બસપના લોકોનું કહેવું છે કે, ભીમ આર્મી પૂર્ણરીતે ભારતીય જનતા પાર્ટીની પ્રોડક્ટ તરીકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.
ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.