બિજનોર : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પ્રથમ વખત બે લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે આકરા પ્રહાર કર્યા હતા. ઉત્તરપ્રદેશના ધામપુરમાં એક રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને અમેઠીમાંથી તેમની હાર દેખાઈ રહી છે જેથી ડરના કારણે કેરળની વાયડનાડ સીટ પર જઇ રહ્યા છે. ધ્રુવીકરણ મારફતે જીત મેળવવાના પ્રયાસ આ બેઠક પરથી કરવામાં આવશે. શાહે હિન્દુ આતંકવાદને લઇને પણ કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિપક્ષના લોકો તૃષ્ટિકરણની રાજનીતિ કરવાના પ્રયાસો કરતા રહે છે.
પંચકુલાની એક કોર્ટે ૨૦૦૭માં સમજાતા એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટ મામલે ચુકાદો આપ્યો હતો. તે વખતે કોંગ્રેસની સરકારે કહ્યું હતું કે, સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટ હિન્દુ આતંકવાદના નમૂના તરીકે હતો. કોંગ્રેસે સમગ્ર દુનિયામાં વિશ્વ બંધુત્વની ભાવના વધારી રહેલા હિન્દુ સમુદાયને આતંકવાદી સાથે જોડીને બદનામ કરવાના પ્રયાસ કર્યા છે. હિન્દુ ક્યારેય આતંકવાદી હોઈ શકે નહીં.
રાહુલ ગાંધીને આ વાતની માહિતી નથી કે, અમે જીવજંતુઓની સેવામાં માનનાર લોકો છે. જીવજંતુઓને પણ સેવા માટે લોટ આપતા રહીએ છીએ. લોકોને મારવાનું કામ હિન્દુ લોકો ક્યારેય કરી શકે નહીં. આતંકવાદને ધર્મ સાથે જોડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. પોતાની વોટ બેંકની રાજનીતિ માટે સમગ્ર દુનિયામાં ગૌરવશાળી ઇતિહાસ ધરાવનાર હિન્દુ સમુદાયને બદનામ કરવાના પાપ કોંગ્રેસે કર્યા છે. શાહે કહ્યું હતું કે, તે વખતના ગૃહમંત્રી પી ચિદમ્બરમ, સુશીલકુમાર શિંદે અને રાહુલ ગાંધીએ પોતે અમેરિકી રાજદૂતને કહ્યું હતું કે, તોઇબાથી ખતરો નથી બલ્કે હિન્દુ આતંકવાદથી વધુ ખતરો છે. હિન્દુઓને બદનામ કરવા માટે રાહુલ અને કોંગ્રેસે દેશના લોકોની માફી માંગવી જોઇએ.