મુંબઈ : મુંબઈના યુવકને ગુગલની મહાકાય ઓફર મળી છે. ૧.૨ કરોડનું પેકેજ ગુગલ તરફથી મળ્યું છે. કેટલીક વખત શોખ માટે કરવામાં આવતા કામ પણ વ્યક્તિના ભાગ્યને ચમકાવવામાં ભૂમિકા અદા કરે છે. મુંબઈના ૨૧ વર્ષીય યુવક અબ્દુલ્લા ખાન સાથે પણ આવું જ બન્યું છે. તે આઈઆઈટીમાં પ્રવેશ માટે પરીક્ષા પાસ કરી શક્યો ન હતો પરંતુ ગુગલમાં તેને જે પગાર પેકેજ મળ્યું છે તેનું સપનું તમામ નિષ્ણાતોનું રહે છે. આ સપ્તાહમાં ખાનને ગુગલની લંડન ઓફિસમાં જોબ ઓફર મળી છે. તેનો પગાર પેકેજ ૧.૨ કરોડ રૂપિયા છે.
આ પેકેજ શહેરના બિનઆઈઆઈટી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને મળનાર પેકેજ કરતા ૩૦ ગણાથી પણ વધારે છે. સામાન્યરીતે આવા વિદ્યાર્થીઓને ચાર લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવે છે. એલઆર તિવારી એન્જિયનિરિંગ કોલેજ, મીરા રોડના વિદ્યાર્થી ખાનને ગુગલે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો હતો. તેની પ્રોફાઇલ એક એવી સાઇટ ઉપર હતી જે પ્રોગ્રામની સાથે સંબંધિત પ્રતિયોગિતાનું આયોજન કરતી હતી. આ સાઇટ ઉપર ખાનની પ્રોફાઇલ લોકોને ગમી ગઇ હતી અને ઓનલાઈન ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો. ખાનને આ મહિનાના શરૂમાં ગુગલના લંડન ઓફિસમાં ફાઈનલ સ્ક્રીનિંગ માટે કહેવામાં આવ્યું છે.
ખાન સાઉદી અરેબિયામાં અભ્યાસ કરીને આવ્યો છે. ૧૨માં બાદ તે મુંબઈ આવ્યો હતો. ખાનને જે પેકેજ મળ્યું છે તે પૈકી ૫૪.૫ લાખ રૂપિયા વાર્ષિક પગાર છે. ૧૫ ટકા બોનસ અને ચાર વર્ષ સુધી ૫૮.૯ લાખ રૂપિયાની કિંમતના સ્ટોક ઓપ્શન સમેલ છે. હાલમાં તે કોમ્પ્યુટર સાયન્સના અંતિમ વર્ષમાં છે. ગુગલની સાઇટ રિયાબિલીટી એન્જિનિયરિંગ ટીમમાં તે સામેલ થશે.