મુંબઇ : શેરબજારમાં આજે પણ તેજી જોવા મળી હતી. સતત બીજા દિવસે તેજીનો માહોલ રહ્યો હતો. બેચમાર્ક ઇન્ડેક્સ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના છેલ્લા કારોબારી દિવસમાં તેજી રહી હતી. મેટલ, ફાર્મા અને ઓટોના શેરમાં લેવાલી જામી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૫૧ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૫૪૮૦ રહી તી જ્યારે સ્મોલકેપમાં ૧૦૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૦૨૭ રહી હતી. સેંસેક્સ આજે કારોબારના અંતે ૧૨૭ પોઇન્ટ ઉછળીને ૩૮૬૭૩ની સપાટી પર રહ્યો હતો. વેદાંતાના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૫૪ પોઇન્ટ ઉછળીને ૧૧૬૨૪ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૧૬૦૦ની સપાટી કુદાવી હતી.
સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૧.૩૦ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧.૪૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં સેંસેક્સમાં ૧૭ ટકાનો અને નિફ્ટીમાં ૧૫ ટકાનો ઉછાળો રહ્યો છે જેને ઉલ્લેખનીય સુધારો ગણી શકાય છે. અદાણી ગેસ, ફ્યુચર લાઇફ સ્ટાઇલ, ગુજરાત ફ્લોરો કેમિકલ્સ, મુથુટ ફાઈનાન્સ સહિતના ૧૪ શેરમાં આજે ઓલટાઇમ હાઈ સપાટી જાવા મળી હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ડીએલએફના શેરમાં છ મહિનાની ઉંચી સપાટી રહી હતી. મેટલના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. ફાર્મા અને ઓટો કાઉન્ટરોમાં પણ તેજી રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો.
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાને લઇને આશાવાદની સ્થિતિ જાવા મળી રહી છે. તેલ કિંમતો શુક્રવારના દિવસે સુધરીને બંધ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ગઇકાલે ગુરુવારના દિવસે ૪૧૫ પોઇન્ટ ઉછળીને ૩૮૫૪૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટ ડેબ્ટ અને ઈક્વીટીમાં મળીને ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે મોનિટરીંગ પોલિસી આઉટલૂક ઉપર આને સીધી અસર થનાર છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી માર્ચથી લઈને ૨૨મી માર્ચ વચ્ચેના ગાળામાં ઈક્વિટીમાં ૨૭૪૨૪.૧૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. નાણાંકીય વર્ષની પૂર્ણાહૂતિ થઇ છે ત્યારે કારોબારીઓ દ્વારા હવે આ વર્ષમાં કયા શેરમાં કેટલા ટકા રિટર્ન મળ્યા છે તે અંગેની બાબત જાણવાની પ્રક્રિયા શરૂ થશે. બે ત્રણ દિવસમાં કંપનીઓના શેરના રિટર્નના આંકડા જારી શકાશે