નવી દિલ્હી : ભારતે આજે એન્ટી સેટેલાઇટ હથિયારનું સફળ પરીક્ષણ કર્યું હતું. ૧૧.૧૬ વાગે એ-સેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એ-સેટ મારફતે ૩૦૦ કિમીની ઉંચાઈ પર એક જુના સેટેલાઇટને ફૂંકી મારવામાં આવ્યું હતું. જે સેટેલાઇટ સેવાથી દૂર કરવામાં આવ્યું છે તેને ટાર્ગેટ બનાવીને આ સેટેલાઇટને તોડી પાડવામાં આવ્યું હતું. આ કેટલી મોટી સફળતા છે તેનો અંદાજ આ બાબતથી જ લગાવી શકાય છે કે, ભારત હવે દુનિયામાં મહાશક્તિ બની ગયું છે અને આની માહિતી વડાપ્રધાન મોદીએ પોતે રાષ્ટ્રને નામ સંબોધન મારફતે આપી હતી. અમેરિકાએ પ્રથમ એન્ટી સેટેલાઇટ ટેસ્ટ ૧૯૫૯માં કર્યું હતું.
આ એ વખતની વાત છે જ્યારે સેટેલાઇટ હોવાની બાબત પણ અન્ય દેશો માટે કલ્પનાની બાબત હતી. ત્યારબાદ રશિયાએ પણ આવો જ ટેસ્ટ કરવામાં સફળતા મેળવી હતી. સોવિયત યુનિયને ૧૯૬૦ અને ૧૯૭૦માં પરીક્ષણ કર્યું હતું. રશિયાએ એવા હથિયારનું પરીક્ષણ કર્યું હતું જેને પરિભ્રમણ કક્ષામાં લોંચ કરવામાં આવી શકે છે અને દુશ્મનના સેટેલાઇટ સુધી પહોંચી શકે છે અને તેને નષ્ટ કરી શકે છે. અમેરિકાએ ૧૯૮૫માં એફ-૧૫ ફાઇટર જેટ મારફતે એજીએમ-૧૩૫નું પરીક્ષણ કર્યું હતું અને અમેરિકી ઉપગ્રહ સોલવિંડને તોડી પાડ્યું હતું. ત્યારબાદ ૨૦ વર્ષ સુધી કોઇ પરીક્ષણ કરાયું ન હતું. ૨૦૦૭માં ચીને આ ટેસ્ટ કરીને સફળતા મેળવી હતી. ચીને એ વખતે હવામાનની માહિતી આપનાર ઉપગ્રહને તોડી પાડ્યું હતું.
આ પરીક્ષણ વેળા મોટાપાયે કાટમાળ જોવા મળ્યો હતો. ત્યાર પછી અમેરિકાએ ઓપરેશન બર્ન્ટને અંજામ આપ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, એન્ટી સેટેલાઇટ ટેસ્ટથી નિકળનાર કાટમાળ બીજા સેટેલાઇટ અને સ્પેશ ક્રાફ્ટ માટે સમસ્યા સર્જી શકે છે. ચીનના પરીક્ષણને સૌથી વિધ્વંશકારી પરીક્ષણ તરીકે ગણાવામાં આવે છે. અમેરિકા તરફથી હજુ સુધી કોઇ ખાતરી અપાઈ નથી.