નવી દિલ્હી : વર્ષ ૨૦૧૪માં યોજાયેલી છેલ્લી લોકસભા ચૂંટણીમાં દેશની ચૂંટણી વ્યવસ્થામાં પ્રથમ વખત નોટાના વિકલ્પની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આના કારણે અનેક લોકસભા બેઠકો પર પરિણામ પર માઠી અસર થઇ હતી. આંકડા પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ૨૩ સીટો પર અસર રહી હતી. નોટાની ભૂમિકા આ વખતે ઓછી રહે તેમ માનવામાં આવે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે જો કોઇ લોકસભા મત વિસ્તારમાં નોટાનો ખુબ ઉપયોગ કરવામાં આવ્યો હશે તો પણ વિજેતા તો એ જ ઉમેદવાર રહેશે જે ઉમેદવારે સૌથી વધારે મત મેળવ્યા હશે.
વર્ષ ૨૦૧૪માં કેટલાક રાજ્યોમાં નોટાનો ઉપયોગ ખુબ કરવામાં આવ્યો તો. જો ટકાના આંકડાની વાત કરવામાં આવે તો મેઘાયલમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેંઘાલયમાં ૨.૯૮ ટકા અથવા તો ૩૦૧૪૫ મતદારો દ્વારા નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોટાના ઉપયોગના મામલે છત્તિસગઢના લોકો બીજા સ્થાને રહ્યા હતા. અહીં ૧.૯૪ ટકા લોકો દ્વારા નોટા બટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૪માં નોટાના આંકડાનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૪માં ૬૦ લાખ મત નોટા હેઠળ નોંધવામાં આવ્યા હતા. આ આંકડો ઓછો નથી. જે કુલ મતદાનની ટકાવારીના ૧.૦૮ ટકાની આસપાસ છે.
ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો અહીં છ લાખ લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. લક્ષ્યદ્ધીપનો આંકડો સૌથી ઓછો રહ્યો છે. જુદા જુદા રાજ્યોની કેટલીક બેઠક પર નોટાનો ઉપયોગ સૌથી વધારે થયો હતો. ૨૦૧૪માં ૨૩ સીટો પર નોટા વોટ વિજેતા ઉમેદવારની જીતના અંતર કરતા વધારે રહ્યા હતા. આમાંથી ૧૧ એવી સીટો હતી જેમાં કોંગ્રેસ પાર્ટી બીજા સ્થાને રહી હતી. ચાર સીટ પર ભારતીય જનતા પાર્ટી બીજા સ્થાને રહી હતી.