અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ અને ફાઇનલ તબક્કામાં પહોંચી છે કારણ કે, હવે ઉમેદવારીપત્ર ભરવાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકોના ઉમેદવારો ફાઇનલ કરી શકી નથી. ભાજપના હજુ ૧૬ ઉમેદવારોના નામ બાકી છે ત્યારે કોંગ્રેસના તો હજુ યાદીને લઇ ઠેકાણાં જ નથી. હજુ માંડ ચાર-પાંચ બેઠકોના ઉમેદવારો નક્કી થઇ શકયા છે ત્યારે હવે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની દિલ્હી ખાતે મળનારી બેઠકમાં તમામ નામો નક્કી થઇ જવાની પૂરી શકયતા છે.
કોંગી હાઇકમાન્ડના વડપણ હેઠળ મળનારી આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ ભાગ લેશે અને ઉમેદવારોની પસંદગી મુદ્દે અહીંનો સ્થાનિક રિપોર્ટ અને અભિપ્રાય આપશે. તો સાથે સાથે રાજયની પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે નીરીક્ષકો દ્વારા કવાયત હાથ ધરવામાં આવશે. આ મામલે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા જરૂરી રિપોર્ટ રજૂ કરાશે અને તેના આધારે પેટા ચૂંટણીના ઉમેદવારો ફાઇનલ થશે. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના નારાજ સાંસદ દેવજી ફતેપરાના કોંગ્રેસમાં સંભવિત આગમનને લઇ પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભાજપના ઘણા નેતાઓ અને લોકો અમારા સંપર્કમાં છે.
ભાજપથી નારાજ અને શોષણનો ભોગ બનેલા તમામ લોકોનું કોંગ્રેસમાં સ્વાગત છે. ભાજપની નીતિરીતિ અને વડાપ્રધાન મોદીની સરમુખત્યારશાહીથી ભાજપના લોકો કંટાળી ગયા છે અને તેઓ તેમાંથી મુકત થવા ઇચ્છી રહ્યા છે. આદિવાસીઓ મુદ્દે પણ ચાવડાએ જણાવ્યું કે, રાજયના આદિવાસી સમાજમાં પણ ભાજપ સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ફોરેસ્ટ એકટમાં સુપ્રીમકોર્ટના ચુકાદો આદિવાસીઓમાં નારાજગી છે અને તેને લઇ રાજયના આદિવાસી સમાજમાં મોદી સરકાર સામે આક્રોશમાં છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં હાલ ઉમેદવારોની પસંદગીને લઇ કશ્મકશ ચાલી રહી છે. જા કે, ભાજપ આમ જાવા જઇએ તો કોંગ્રેસની સરખામણીએ ભારે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે કારણ કે, ભાજપે તેના ૧૬ બેઠકો માટેના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે અને બાકીના દસ ટૂંક સમયમાં જ જાહેર કરવાની વેતરણમાં છે ત્યારે કોંગ્રેસ હજુ ૨૬ બેઠકોમાંથી ચાર જ બેઠકોના નામ જાહેર કરી શકી છે અને બાકી ૨૨ બેઠકો પર કોંગ્રેસમાં હજુ મડાગાંઠ સર્જાઇ છે. કોંગ્રેસ હાઇકમાન્ડ અને સ્થાનિક મોવડીમંડળ પણ જ્ઞાતિવાદના રાજકારણમાં કયાંક કાચુ ના કપાય સમગ્ર યાદી ઘોંચમાં પડી હોવાની વાત સામે આવી રહી છે અને તેથી સમગ્ર યાદી વિલંબિત થઇ રહી છે. જા કે, કોંગ્રેસ દ્વારા આવીતકાલે સાંજ સુધીમાં ગમે તે ઘડીયે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવાની મથામણ ચાલી રહી છે. જેને લઇને હવે કોંગ્રેસની છાવણીમાં પણ ઉમેદવારોના નામોને લઇ ભારે ઉત્તેજના અને ઉત્સુકતા છવાઇ ગઇ છે.