મુંબઈ : વિદેશી મૂડીરોકાણકારોએ હજુ સુધી માર્ચ મહિનામાં સ્થાનિક મૂડી માર્કેટમાં ૩૮૨૧૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સુધરી ગયેલી વૈશ્વિક લિક્વિડિટીની સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટ ડેબ્ટ અને ઈક્વીટીમાં મળીને ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે મોનિટરીંગ પોલિસી આઉટલૂક ઉપર આને સીધી અસર થનાર છે. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી માર્ચથી લઈને ૨૨મી માર્ચ વચ્ચેના ગાળામાં ઈક્વિટીમાં ૨૭૪૨૪.૧૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે ડેબ્ટ માર્ટેકમાં પણ આ ગાળા દરમિયાન ૧૦૭૮૭.૦૨ કરોડ ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ આંકડો ૩૮૨૧૧.૨૦ કરોડ સુધી પહોંચી ગયો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરને લઈને પણ સ્થિતિ હળવી બની રહી છે.
અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.
તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. દેશના માઈક્રો આઉટલુકમાં સ્થિતિ સુધરી રહી છે. સ્થિર સરકાર ચુંટણી બાદ રચાય તેવી આશા પણ દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં લોકસભા માટેની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ જુદા જુદા સર્વેમાં એનડીએની વાપસીના સંકેત મળી રહ્યા છે ત્યારે એફપીઆઈ રોકાણકારો દેશમાં રોકાણ કરવા વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે. કેટલાક સ્થાનિક પરિબળો પણ ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે પરંતુ એકંદરે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ માહોલમાં સુધારો થઇ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે.