નવી દિલ્હી : આતંકવાદની સામે કેન્દ્ર સરકારે આજે આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. આના ભાગરુપે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ કઠોર કાર્યવાહી કરી છે. ભારત વિરોધી ગતિવિધિ ચલાવવાનો યાસીન મલિક ઉપર આક્ષેપ છે.
ગૃહ સચિવ રાજીવ ગાબાએ જેકેએલએફ પર પ્રતિબંધની જાણકારી આપતાં કહ્યું કે જેકેએલએફ વિરૂદ્ધ ૩૭ એફઆઈઆર છે. જેમાં વાયુસેનાના ૪ અધિકારીઓની હત્યાનો મામલો અને મુફ્તી સૈયદની દીકરી રૂબૈયા સૈયદના અપહરણનો મામલો સામે છે. તેઓએ કહ્યું કે આ સંગઠન આતંકને પ્રોત્સાહન તેમજ ગેરકાયદેસર રીતે ધન એકઠું કરવા માટે જવાબદાર રહ્યાં છે. આ સંગઠન ફાળો એકઠો કરીને કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવા માટે હુર્રિયતના કાર્યકર્તાઓ અને પથ્થરબાજો વચ્ચે ધનના વિતરણ તેમજ વિધ્વંસકારી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના કાર્યમાં પણ સક્રિય રીતે લિપ્ત રહ્યું છે.
જેકેએલએફને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી અને તેના વિરૂદ્ધ કાર્યવાહીની પ્રક્રિયા ૩ મહિનાથી ચાલી રહી હતી. આ પહેલાં જમાત-એ-ઈસ્લામી નામના સંગઠન પર પ્રતિબંધ લગાવાયો હતો. અલગતાવાદી વિરૂદ્ધ સરકારની કડક નીતિ યથાવત છે જેકેએલએફ પર આતંકી પ્રવૃતિઓને સમર્થન કરવાનો આરોપ લાગતા રહે છે. ઈડીએ પણ આ કેસ અંતર્ગત જ છેલ્લાં કેટલાંક સમયથી જમ્મુ કાશ્મીર દરોડા પાડ્યા હતા. આ કડીમાં ઈડીએ યાસીન મલિકના અનેક ઠેકાણાં પર પણ દરોડાઓ પાડ્યાં હતા. દરોડા બાદ ૨૮ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે જમાત-એ-ઈસ્લામી પર ૫ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. જે અંતર્ગત ગૃહ મંત્રાલયની કાર્યવાહીમાં જીઈઆઈના પ્રમુખ હામિદ ફૈયાઝ સહિત ૩૫૦થી વધુ સભ્યોની ધરપકડ કરાઈ હતી. અલગતાવાદી નેતાઓ પર કેન્દ્રની કાર્યવારી યથાવત છે.