નવી દિલ્હી : દિલ્હીમાં લોકસભા ચૂંટણી છઠ્ઠા તબક્કામાં યોજાશે પરંતુ ભાજપે હોળી બાદથી ચૂંટણી માહોલ બનાવવાની તૈયારી કરી દીધી છે. ભાજપ હોળી બાદ ૨૪ અને ૨૬મી માર્ચના દિવસે દિલ્હીની સાત લોકસભા બેઠકમાં જનસભાનું આયોજન કરવાની તૈયારીમાં છે. દિલ્હીમાં ભાજપ ઓફિસ પર થયેલી બેઠકમાં જનસભાઓને લઇને તૈયારીઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી અને સંગઠન મહામંત્રી સિદ્ધાર્થન ઉપરાંત લોકસભા ચૂંટણીના સ્વપ્રભારી જયભાન અને ત્રણેય મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સાતેય લોકસભા બેઠકના પ્રભારી અને સ્વપ્રભારી, વિસ્તારક અને તમામ જિલ્લાઅધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, હાલમાં ખુબ મોટી રેલીઓ કરવાના બદલે નાની નાની જનસભાઓ યોજવામાં આવશે. સંયોજકની ભૂમિકા અદા કરી રહેલા પ્રદેશના મહામંત્રી રાજેશ ભાટિયાએ કહ્યું હતું કે, ૨૪મી માર્ચના દિવસે ત્રણ અને ૨૬મી માર્ચના દિવસે ચાર લોકસભા સીટોમાં જનસભાનું આયોજન કરવામાં આવનાર છે. હાલમાં આને લઇને સમય નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ એક બાબત નક્કી થઇ ગઇ છે કે, કયા લોકસભા ક્ષેત્રમાં ક્યાં જનસભા કરવામાં આવશે ત્યાં પાર્ટીના કયા નેતા મુખ્ય વક્તા તરીકે રહેશે તેને લઇને પણ નિર્મય કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા જે કાર્યક્રમો નક્કી કરવામાં આવી રહ્યા છે તે મુજબ ૨૪મી માર્ચના દિવસે નોર્થવેસ્ટ ચાંદની ચોક અને સાઉથ દિલ્હીમાં જનસભા કરવામાં આવશે. નોર્થ-વેસ્ટ દિલ્હીના મંગોલપુરીમાં પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન, ચાંદની ચોક લોકસભા બેઠક હેઠળ આવનાર રાનીબાગ વિસ્તારમાં લોકસભા ચૂંટણીના સ્વપ્રભારી જયભાન અને સાઉથ દિલ્હીના ખાનપુર વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રા જનસભા કરશે.
૨૬મી માર્ચના દિવસે પક્ષના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી રાજનાથસિંહ સભા કરશે. ભાજપ અધ્યક્ષ અને નોર્થ-ઇસ્ટ દિલ્હીના સાંસદ મનોજ તિવારીના સંસદીય મતવિસ્તારમાં જનસભા યોજવામાં આવશે. એજ દિવસે લોકસભા ચૂંટણી માટે દિલ્હીના પ્રભારી અને દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન નવી દિલ્હી સંસદીય ક્ષેત્ર હેઠળ આવનાર કરોલબાગ વિસ્તારમાં આવનાર અજમલખાન પાર્કમાં આયોજિત જનસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત ચાંદની ચોકના સાંસદ અને કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધન ઇસ્ટ દિલ્હીના વિકાસ માર્ગ ઉપર જનસભાને સંબોધશે. હાલમાં નવી દિલ્હી સીટથી ભાજપના સાંસદ અને પાર્ટીના પ્રવક્તા મિનાક્ષી લેખી દિલ્હી સંસદીય ક્ષેત્રના ઉત્તમનગર વિસ્તારમાં જનસભાને સંબોધશે. લોકસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની આક્રમક રણનીતિ તૈયાર કરી લીધી છે. સોશિયલ મિડિયા ઉપર પણ જારદાર સ્પર્ધા રહી શકે છે. યુવા મતદારોની સંખ્યામાં વધારો થયા બાદ આગામી દિવસોમાં યુવા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહી શકે છે.