ભારતમાં અમીર અને ગરીબની વચ્ચે અંતર સતત વધી રહ્યુ છે અને સરકાર આ અસમાનતાને દુર કરવામાં સફળ સાબિત થઇ રહી નથી. સરકાર નક્કર પગલા લેવામાં નિષ્ફળ છે. બિન સરકારી સંગઠન ઓક્સફેમ અને ડેવલપમેન્ટ ફાયનાન્સ ઇન્ટરનેશનલ દ્વારા આ સંબંધમાં તૈયાર વૈશ્વિક ઇન્ડેક્સ ભારત સરકારની નીતિઓ અને હાલની વિકાસની પ્રક્રિયાને પ્રશ્નોના ઘેરામાં મુકે છે. આ ઇન્ડેક્સમાં સામાજિક ખર્ચ કરવેરા માળખા અને શ્રમિકોના અધિકાર સાથે સંબંધિત નીતિના આધાર પર ૧૫૭ દેશોની રેન્કિંગ તૈયાર કરવામાં આવી છે. જેમાં ડેનમાર્ક સૌથી ઓછી વિષમતાની સાથે યાદીમાં ટોપ પર છે.
જ્યારે ભારત આ યાદીમાં ૧૪૭માં ક્રમાંક પર આવે છે. એટલે કે સૌથી નીચેના સ્તર પર ભારત છે. હાલમાં આ રેન્કિંગ જારી કરવામાં આવ્યા બાદ આને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દક્ષિણ કોરિયા, નામિબિયા અને ઉરુગ્વે જેવા દેશો અસમાનતા દુર કરવા માટે નક્કર પગલા લઇ રહ્યા છે. પરંતુ ભારત અને નાઇજિરિયા જેવા દેશો દ્વારા ઉદાસીનતા દર્શાવવામાં આવી રહી છે. ઇન્ડેક્સમાં ૫૬માં સ્થાને રહેલા દક્ષિણ કોરિયાના પ્રયાસોને રિપોર્ટમાં ખાસ મહત્વ આપવામાં આવ્યુ છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સામાજિક વિકાસના કેટલાક કાર્યક્રમ ચલાવવામાં આવ્યા હતા. શ્રમિકોના અધિકારની ખાતરી કરવામાં આવી હતી. પ્રમુખ મુન જે ઇન દ્વારા નાટકીય રીતે લઘુતમ મજુરી ૧૬.૪ ટકા વધારી દીધી હતી.
મુને મોટી કંપનીઓ અને સુપર રિચ વર્ગ પર ભારે ટેક્સ લાગુ કરી દીધા હતા. સાથે સાથે આ રીતે મળનાર પૈસાનો ઉપયોગ નબળા વર્ગના લોકોના વિકાસ પર કર્યો છે. ભારતમાં ઉદાકીરકરણના કારણે વિકાસમાં ગતિ તો આવી છે પરંતુ આનો લાભ એ જ વર્ગના લોકોને મળી રહ્યો છે જે પહેલાથી જ સમૃદ્ધ હતા. સૌથી મોટી બાબત એ છે કે નવી અર્થવ્યવસ્થામાં સરકારની ભૂમિકા મર્યાદિત થઇ ગઇ છે. જેથી રાજનીતિનુ ધ્યાન પણ ગરીબોની તરફેણમાં નિતી બનાવવાની દિશામાં ગયુ નથી. આના બદલે તેમને ભ્રમિત કરવાની દિશામાં ગયુ છે. મનરેગા જેવી કેટલીક ગરીબ સમર્થક નીતિઓ બની છે. પરંતુ આ યોજનાનો ઉપયોગ પણ કમજાર વર્ગને ઉત્પાદન પ્રક્રિયાના હિસ્સા તરીકે ગણવાના બદલે તેમને જીવિત રાખવા પર કેન્દ્રિત રહ્યુ છે. અર્થ એ છે કે ગરીબોની દશા કેટલીક હદ સુધી સુધરી તો છે પરંતુ કોઇ મોટા ફેરફાર થયા નથી. આ ફેરફાર એવા સમય પર શક્ય હતા જ્યારે ગરીબોને મુખ્ય ધારામાં લાવવા માટે તક મળે. જો કે ખાનગીકરણના કારણે શિક્ષણ એટલુ મોંઘુ બની ગયુ છે કે ગરીબ લોકો આ સ્તર સુધી પહોંચી શકે તેમ નથી. સરકારનો રસ પોતાના શિક્ષણ તંત્રને મજબુત બનાવવા મામલે બિલકુલ નથી. કમજાર વર્ગના બાળકો કોઇ રીતે સ્કુલ પહોંચી જાય તો પણ ગરીબીના ચક્રમાંથી બહાર નિકળી જવામાં શિક્ષણની કોઇ ભૂમિકા સાબિત થઇ રહી નથી. આર્થિક અસમાનતાના કારણે આજે જુદી જુદી જગ્યાએ આક્રોશ જોવા મળે છે.