અમદાવાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે બુધવારના દિવસે હોળીના દિવસે પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરનાર છે. તંત્ર અને મંદિર વ્યવસ્થા સમિતી દ્વારા તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં લઇને કોઇ પણ અનિચ્છનીય બનાવ અથવા તો ભાગદોડના બનાવ ન બને તેની ખાસ કાળજી લેવામાં આવી છે. મંદિર અને તેના આસપાસના વિસ્તારોને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. ડાકોરમાં જોરદાર ધસારો હજુ જારી છે. મોડી રાત સુધી વધુ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે.
આવતીકાલે સવારે મંગળ આરતી થનાર છે. આવતીકાલે સવારમાં રણછોડરાય મંદિરમાં પુનમના મેળામાં કરિયા ઠાકોરના દર્શન માટે પણ ધસારો રહેશે. વિવિધ સેવા કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ મંદિર અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તમામ પગલા લેવામા આવી ચુક્યા છે. ડાકોર માર્ગ હવે શ્રદ્ધાળુઓથી હાઉસફુલ દેખાઇ રહ્યા છે. ચારેબાજુ જય રણછોડના નાદ જોવા મળી રહ્યા છે. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સ્થિત રણછોડરાય મંદિરમાં મેળાની શરૂઆત પહેલાથી જ થઇ ચુકી છે. હવે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.
પુનમ સુધી તમામ જગ્યા હાઉસ ફુલ થઇ જશે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને આ વખતે અમદાવાદ, ડાકોર અને ગોધરા તેમજ કઠલાલ માર્ગ પર જય રણછોડના જયજયકાર જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓના મનોરંજન માટે પણ આવતીકાલે યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. યાત્રા માર્ગ પર જગ્યા જગ્યા પર લારી, ગલ્લા અને ફેરિયાઓ ગોઠવાઇ ગયા છે. પદયાત્રીઓની સંખ્યામાં જારદાર વધારો હવે થઇ રહ્યો છે. યાત્રીઓની ભીડને કાબુમાં રાખવા અને ભાગદોડને ટાળવા માટે મહિલાઓ અને પુરષો માટે જુદી જુદી રેલિંગ બનાવી દેવામાં આવી છે. કલેકટર કેકે નિરાલાએ કહ્યુ છે કે સ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે રાત્રી ગાળામાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નરસિંગ ટેકરીની સામે બનાવવામાં આવેલા વિશાળ જગ્યા પર ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત નાટકો દર્શાવવામાં આવનાર છે.
ભગવાન કૃષ્ણના નાટક પણ આકર્ષણ જમાવે તેમ માનવામાં આવે છે. બીજી બાજુ ડાકોર માર્ગ પર ઉમટી રહેલા લોકોને જરૂરી સુવિધા આપવા માટે સ્વૈચ્છિક ટીમો સક્રિય થઇ ગઇ છે. આ ટીમો લોકોની મદદ કરી રહી છે. કેટલીક જગ્યાએ ચા અને કોફી સ્ટોલ શરૂ કરવામા આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ હળવા નાસ્તાની જમાવટ શ્રદ્ધાળુઓ માટે માર્ગ પર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આ સેવામાં જાડાયા હોવાના અહેવાલ મળ્યા છે. હાલમાં સમગ્ર ડાકોર ભક્તિના રંગમાં છે. ચારેબાજુ જયરણછોડની ગુંજ જોવા મળી રહી છે. રણછોડરાયજી મહારાજ મંદિર ડાકોરના હોળી-પૂનમના ખુલ્લા દર્શન માટે જુદા જુદા આયોજન કરવામાં આવી ચુક્યા છે. આવતીકાલે ફાગણ સુદ પુનમે સવારે ૪.૧૫થી ૭.૩૦ સુધી દર્શન રહેશે. જુદા જુદા કાર્યક્રમો વેળા દર્શન થશે. ઘુળેટીના દિવસે પણ ફુલડોલનો કાર્યક્રમ રહેશે. મંદિરની પવિત્રતા જળવાય તે માટે પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.