અમદાવાદ : કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ આજે રાજકોટ મુલાકાતે હતો તે દરમ્યાન તેણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવા સાથે ભાજપમાં નારાજ અને શોષણ કે ઉપેક્ષાનો ભોગ બની રહેલા લોકોને કોંગ્રેસના દરવાજા ખુલ્લા હોવાનો સાફ સંકેત આપ્યો હતો. ઇન્ડિયન યુથ કોંગ્રેસના લાઇવ વીડિયો કોન્ફરન્સના કાર્યક્રમને અનુસંધાને પ્રથમ વખત હાર્દિક રાજકોટ આવ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ભાજપમાં નીતિન પટેલથી માંડી અસંખ્ય લોકો નારાજ છે. ભાજપના નારાજ નેતાઓ યોગ્ય સમય અને યોગ્ય તકની રાહ જોઇ રહ્યા છે.
આવા નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. ટૂંક સમયમાં દેશમાંથી તાનશાહી સરકારનો અંત આવશે. હાર્દિક પટેલે એક તબક્કે વડાપ્રધાન મોદી પર પણ સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે, દેશના ચોકીદાર છે તો કેમ રાફેલની ફાઇલ ચોરાઇ ગઈ. ગઇકાલે અમદાવાદમાં પાસના સ્નેહમિલન કાર્યક્રમમાં તેના વિરોધ મુદ્દે હાર્દિકે સ્પષ્ટ કર્યું કે, લોકશાહી દેશમાં વિરોધ કરવાનો દરેકને હક છે. હું મારો વિરોધ કરનાર એક પણ વ્યક્તિને રોકીશ નહીં.
જીતુ વાઘાણીના નિવેદન પર જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આ મામલે રજૂઆત કરીશ. આચારસંહિતા લાગુ થયા બાદ પણ સીએમ બંગલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવતીકાલે હાઇકોર્ટમાં મારી તારીખ છે, મને ખ્યાલ નથી કે ન્યાયાલય મને ચૂંટણી લડવાની મંજૂરી આપશે કે નહીં તે અનિશ્ચિતતા હોવા છતાં હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. મેં જામનગરથી ચૂંટણી લડવાની ઇચ્છા પાર્ટીના હાઇકમાન્ડની કરે છે. યુવાનોને સંબોધન કરવાનો છું તે કાર્યક્રમનું નામ યુવા શક્તિ રાખ્યું છે. કોંગ્રેસ પાર્ટી વધુને વધુ યુવાનોને તક આપવા ઇચ્છી રહી છે. ભાજપે સરકારી બસનો ઉપયોગ ન કરવો જોઇએ.
ભાજપે જાહેરાતો પાછળ અબજો ખરબો રૂપિયા ખર્ચ્યા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓને ખરીદી રહી છે. હાર્દિક ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના ફેસબુક અને ટ્વીટર પર યુવા શક્તિ કી બાત પ્રોગ્રામ હેઠળ સંબોધન કરી કોંગ્રેસ તરફી લોકજુવાળમાં લાગી ગયો છે. ખાસ કરીને યુવાશકિતને તે આકર્ષવા માટે ભારે મહેનત કરી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને હાર્દિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, તેને લઇ હાર્દિક તેના વિરોધ વચ્ચે પણ કોંગ્રેસપક્ષના ચૂંટણી પ્રચારમાં જોતરાયો છે.