અમદાવાદ : શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે ત્યારે ટ્રાફિકની સમસ્યાને કંટ્રોલ કરવા અને વાહન સંબંધિત ગુનાઓને રોકવા માટે શહેરના ૧૩૦ જંકશન પર ૧૫૦૦ કરતાં વધુ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (એએનપીઆર) હાઇસ્પીડ કેમેરા લગાવાશે, જેના કારણે કોઈ પણ વાહનચાલક હવે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યા પછી પોલીસની નજરમાંથી છટકી શકશે નહીં. રાજય સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત (એસએએસગુજ) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં રાજયભરમાં મહત્વનાં સ્થળો પર હાઇડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર નજર રાખવામાં આવશે. હાલ અમદાવાદમાં કુલ ૨૩૦ જંકશન પર ૩૨૭૫ હાઇડેફિનેશન વાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે ત્યારે આવનારા દિવસોમાં એક હજાર એએનપીઆર કેમેરા અને ૫૦૦ કરતાં વધુ હાઇસ્પીડ કેમેરા લગાવવામાં આવશે. શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે ગુજરાતનું સૌથી મોટુ પોલીસ કંટ્રોલ રૂમ શરૂ થવાનો છે. જેમાં એક ડીસીપી, બે એસીપી, ૬ પીઆઇ તેમજ દસ કરતા વધુ પીએસઆઇ અને ૨૦૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓ શહેરના ખૂણે ખૂણાની નજર રાખશે. શહેરનાં ૨૩૦ જંકશન પરનું મોનિટર આ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે.
એએનપીઆર કેમેરાની ખાસિયતની વાત કરીએ તો ચોરાયેલાં વાહનો, ગુનામાં વપરાયેલાં વાહનો તથા ઇ મેમો ન ભરાયો હોય તેવાં વાહનોને રોડ પર જ ઓળખી લેશે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમવાળા કેમેરા વાહનોની નંબર પ્લેટ રીડ કરશે. કોઇ ચોરાયેલું વાહન કે ગુનામાં વપરાયેલું વાહન તે નંબર સાથે આ કેમેરાની નજરમાંથી પસાર થશે તો તેનું ખાસ સોફ્ટવેર ડેટાબેઝથી આ નંબર મેચ કરીને કંટ્રોલમાં એલર્ટ આપવામાં આવશે. આ સિવાય હાઇસ્પીડ કેમેરાની ખાસિયત એ છેકે કોઇપણ વાહનચાલક ૧૦૦ કરતાં વધુની સ્પીડ પર વાહન ચલાવીને ટ્રાફિકનો ભંગ કરશે અથવા તો અકસ્માત કરીને ભાગી જશે તો તેની નંબર પ્લેટ તરત રીડ કરી લેશે. એએનપીઆર કેમેરાથી કોઇપણ વાહન આખો દિવસ સુધી ક્યાં ક્યાં જંકશન પરથી પસાર થયું છે તેની પણ તમામ વિગતો કંટ્રોલ રૂમ પાસે હશે. હાલના સમયમાં જો કોઇ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો પોલીસ કર્મચારીઓએ વાહનની નંબર પ્લેટના આધારે ઇ મેમો જનરેટ કરવો પડે છે અને જે તે વાહનચાલકના ધરે મોકલવો પડે છે પરંતુ એએનપીઆર કેમેરા કોઈ પણ વાહને ટ્રાફિકનો ભંગ કર્યો હતો તો તે નંબર પ્લેટને ઓટોમેટિકલી ઓળખી જશે અને એ નંબર પ્લેટ ટેક્સ કન્ટેન્ટમાં પણ જનરેટ થઈ જશે અને ત્યાર બાદ ઓટોમેટિક ઇ મેમો જનરેટ થઈ જશે. આ કેમેરા ૩૬૦ ડિગ્રી સુધી વળીને પિક્ચર કેપ્ચર કરી શકશે, જ્યારે ૫૦૦ મીટર સુધી દૂર ઊભેલાં વાહનો અને તેની નંબર પ્લેટ ઓળખી શકશે.