અમદાવાદ : કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી છબીલ પટેલની ધરપકડ થયાં પછી સીટ સમક્ષ એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. સીટના અધિકારીઓએ છબીલના રિમાન્ડ લેતાં મહત્વનો ખુલાસો કર્યો છે કે, કચ્છ પોલીસે જ શાર્પશૂટરોને મદદ કરી હતી. કચ્છ એલસીબીના કોન્સ્ટેબલ જયંતિએ બિનવારસી બાઇક પકડી પોલીસ ચોપડે નોંધવાને બદલે તે બાઇક શાર્પશૂટરોને ભાગવા માટે આપ્યું હતું.
સીઆઇડીએ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ભલામણથી થોડા સમય પહેલાં કોન્સ્ટેબલ જયંતીને એલ.સી.બીમાં ટ્રાન્સફર કરાયો હતો. કોન્સ્ટેબલ જયંતીએ એલ.સી.બીમાં રહી એક નંબર પ્લેટ વગરનું બિનવારસી બાઈક કબ્જે કર્યું હતું. જેને પોલીસ ચોપડે ચડાવવાને બદલે ભાનુશાળીની હત્યા કરનારા શાર્પશૂટરોને હત્યા કરી ભાગવા માટે આ બાઈક આપ્યું હતું.
સીઆઇડીએ શાર્પશૂટરોને મદદ કરવાના ગુનામાં કોન્સ્ટેબલ જયંતી પર કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પરંતુ કોન્સ્ટેબલ જંયતીની રાજકીય વગ હોવાના કારણે કચ્છ એસ.પી. પણ તેના પર કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે. સીઆઇડીએ નોટિસ આપી એસ.પી.ને કાર્યવાહી કરવા કહ્યું છે પરંતુ પોલીસ બેડામાં તો એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે એસ.પી. પોતે જ કોન્સ્ટેબલ જયંતીને બચાવી રહ્યા છે. સીટની તપાસમાં થઇ રહેલા એક પછી એક મહત્વના ખુલાસાઓને લઇ કેસમાં નવા વળાંક આવી રહ્યા છે, આગામી દિવસોમાં હજુ વધુ મહત્વની જાણકારીઓ સામે આવે તેવી પૂરી શકયતા છે.