નવી દિલ્હી : વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી હજુ સુધીના ઇતિહાસની સૌથી મોંઘી અને ખર્ચાળ ચૂંટણી દેશમાં રહી છે. આ ચૂંટણીને પૂર્ણ કરવા પર સરકારને કુલ ૩૮૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની ફરજ પડી હતી. જ્યારે વર્ષ ૧૯૫૧-૫૨માં થયેલી પ્રથમ ચૂંટણી પર ખર્ચનો આંકડો આશરે ૧૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આઠમી લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે ખર્ચનો આંકડો ૧૦૦ કરોડ રૂપિયાથી ઓછો રહ્યો હતો. પરંતુ વર્ષ ૧૯૮૯માં જ્યારે લોકસભા ચૂંટણી યોજવામાં આવી ત્યારે ખર્ચનો આંકડો ૧૫૪ કરોડ સુધી પહોંચી ગયો હતો. ૧૧મી લોકસભામાં ચૂંટણી ખર્ચનો આંકડો પ્રથમ વખત ૫૦૦ કરોડના આંકડાને પાર કરી ગયો હતો. માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૯માં યોજાઇ રહેલી ચૂંટણીના ખર્ચનો આંકડો નવી ઉચાઇ પર પહોંચી જશે. દેશમાં ચૂંટણી ભારતીય ચૂંટણી પંચ કરાવે છે. ચૂંટણીને પૂર્ણ કરાવવા માટે ચૂંટણી સામગ્રીની ખરીદી, મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા મતદાન કેન્દ્રની સ્થાપના, મતદાન કર્મચારીઓને નાણાંકીય ચૂંકવણી સહિતની કામગીરી પર જંગી ખર્ચ કરવામાં આવે છે .
ચૂંટણી પંચે ગયા રવિવારે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસ સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.
પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થશે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે.