નવી દિલ્હી : ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ભીષણ ગોળીબાર કરવામાં આવ્યા બાદ ભારતીય મુળના નવ લોકો લાપતા થયેલા છે. સાથે સાથે બે લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારની ઘટનામાં ગઇકાલે ૪૯ લોકોના મોત થયા હતા. કોઇ પણ પ્રકારની સહાયતા અને જાણકારી માટે ન્યુઝીલેન્ડમાં ભારતીય હાઇ કમીશન ખાતે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવી રહ્યા છે. હુમલામાં ઘાયલ થયેલા ભારતીય લોકોના પરિવારના સભ્યો માટે ન્યુઝીલેન્ડમાં વીઝા પણ જારી કરવામાં આવી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં ૩૦ હજારથી વધારે ભારતીય લોકો રહે છે. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે ગઇકાલે ભીષણ ગોળીબાર કરતા વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી.
ગોળીબારમાં ૪૯ લોકોના મોત થઇ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાખોરે સતત ગોળીબાર કર્યો હતો. નરસંહારના સંદર્ભમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દિલધડક હત્યાકાંડ અને નરસંહારને જાનાર લોકોને થોડાક સમય માટે તો વિશ્વાસ પણ થયો ન હતો. કોઇ વ્યક્તિ આટલી હદ સુધી ક્રૂર કઈરીતે બની શકે છે તેને લઇને લોકોમાં ચર્ચા થઇ હતી. ૪૯ લોકોના મોતના ગુનેગારે પકડી પાડવામાં આવ્યો છે.
આ શખ્સે કેટલીક ચોંકાવનારી કબૂલાત પણ કરી છે. એમ પણ કહેવામાં આવ્યુ હતું કે ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી પરંતુ ટીમના ખેલાડીઓનો સહેજમાં બચાવ થયો હતો. ટીમને સુરક્ષિત કાઢી લેવામાં સુરક્ષા દળોને સફળતા મળી હતી.