નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને હવે એટીએમમાંથી પૈસા ઉપાડી લેવા માટે ડેબિડ કાર્ડની પણ જરૂર પડશે નહીં. સરકારી બેંક દ્વારા આ મુજબની માહિતી આપવામા આવી છે. માહિતી આપતા બેંકે કહ્યુ છે કે હવે ગ્રાહકો પોતાના મોબાઇલ એપ પર બનેલા વન ટાઇપ પાસવર્ડ જનરેટ કરી શકે છે. આ પિનને બેંકોના એટીએમ સાથે એન્ટર કરીને પૈસા ઉપાડી શકાય છે. ચેરમેન રજનીશ કુમારે માહિતી આપતા કહ્યુ છે કે આ સર્વિસ હાલમાં દેશમાં ૧૬૫૦૦ એટીએમ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાકી એટીએમમાં થોડાક પ્રમાણમાં ફેરફાર કરીને અપગ્રેડ કરવામાં આવ્યા બાદ દેશભરમાં સ્થિત કુલ ૬૦૦૦૦ એટીએમ પર આ સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવનાર છે. આગામી ત્રણથી ચાર મહિનામાં આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.
આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં વધારે કેશ ડિસ્ટ્રીબ્યુશન પોઇન્ટ માટે બેંકને ટેકનોલોજી ઇન્ટીગ્રેટ કરવાની રહેશે. તેમણે કહ્યુ હતુ કે આગામી વર્ષે આશરે ૧૦ લાખ કરતા વધારે કેશ પોઇન્ટ આ ટેકનોલોજી ઉપલબ્ધ થવાની આશા છે. એક વખત તમામ એટીએમમાં આ ટેકનોલોજીના ઇન્ટીગ્રેટ થયા બાદ અમે આ ટેકનોલોજીના તમામ વેન્ડર કેશ પોઇન્ટમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવનાર છે.
બેંકના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે આ સેવાનો ઉપયોગ એક ડિવાઇસ પર એક ગ્રાહક દ્વારા કરવામાં આવી શકે છે. અમે ટુ ફેક્ટર ઓથોન્ટિકેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સેવા તમામ કાઉન્ટર પર શરૂ કરવામાં આવ્યા બાદ ગ્રાહકોને વધારે લાભ થઇ શકે છે. ગ્રાહકો એક દિવસમાં આ પ્રકારના બે ટ્રાન્ઝિકેશન કરી શકશે. હાલમાં એસબીઆઇ યોનો એપને ૭૦ લાખ લોકો ઉપયોગ કરે છે.