અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઇ ભાજપમાં ભારે ઉત્સાહ અને ઉમેદવારોના નામોને લઇ ઇન્તેજારી અને ઉત્સુકતાનો માહોલ છવાયો છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકની મહત્વની ગણાતી બેઠક પર હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નામો જારશોરથી ચર્ચામાં છે. ગાંધીનગર લોકસભા બેઠક પર વર્ષોથી ચૂંટણી લડતાં ભાજપના દિગ્ગજ અને પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીની ઉમંરને લઇ હવે આ બેઠક પરથી અન્ય ઉમેદવારને તક આપવાનું ભાજપ હાઇકમાન્ડે મન બનાવ્યું છે ત્યારે હવે ખૂબ જ મહત્વની મનાતી આ બેઠક પર હવે અમિત શાહ અને આનંદીબહેન પટેલના નામો ચર્ચાઇ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી ન લડે તો રાજ્યની તમામ ૨૬ બેઠકો પર માહોલ બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેનને ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવાના વ્યૂહ પર ભાજપની નેતાગીરીએ વિચારણા હાથ ધરી છે. અમિત શાહ હાલ રાજ્યસભાના સાંસદ છે. આગામી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતા તરીકે ૨૬ બેઠકમાં માહોલ ઊભો કરવા અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડાવવા પાર્ટીમાં વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બીજી તરફ અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલના સ્થાને અન્ય ફિલ્મ એક્ટર મનોજ જોશી, દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલ, અસિત વોરા, ભૂષણ ભટ્ટના નામો ચર્ચાઇ રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકની સાથે વિધાનસભાની ખાલી પડેલી બે બેઠક ઉંઝા અને તાલાલાની પેટા ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ૧૦મીએ જ કરવામાં આવી હતી. હવે વિધાનસભાની વધુ બે ખાલી બેઠક ધ્રાંગધ્રા અને માણાવદર તેમજ જામનગર ગ્રામ્યની પણ પેટાચૂંટણી લોકસભાની સાથે યોજવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.