નવીદિલ્હી : આતંકવાદી મસુદ અઝહરને ચીન તરફથી વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાથી બચાવી લેવામાં આવ્યા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આના માટે મૂળભૂતરીતે દોષિત છે. જવાહરલાલ નહેરુ એ જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતા માટે ભારતના બદલે ચીનનો સાથ આપ્યો હતો.
રાહુલ ગાંધીના વડાપ્રધાન ઉપર પ્રહાર બાદ અરુણ જેટલીએ આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. જેટલીએ રાહુલ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, બીજી ઓગસ્ટ ૧૯૫૫ના દિવસે નહેરુ દ્વારા મુખ્યમંત્રીઓને લખેલા પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કાશ્મીર અને ચીન બંને મુદ્દા પર મૂળભૂત ભુલ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. સામાન્ય ચૂંટણીમાં ભાજપની પ્રચાર સમિતિના પ્રમુખ જેટલીએ ટ્વિટ કરીને આ પત્રના કેટલાક અંશનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે.
નાણામંત્રીએ કહ્યું છે કે, બીજી ઓગસ્ટ ૧૯૫૫ના દિવસે મુખ્યમંત્રીઓને લખેલા પત્રથી સ્પષ્ટ થાય છે કે, અનૌપચારિકરીતે અમેરિકાએ સૂચન કર્યું હતું કે, ચીનને સંયુક્ત રાષ્ટ્રમાં લેવામાં આવે પરંતુ સુરક્ષા પરિષદમાં લેવામાં ન આવે. ભારતને સુરક્ષા પરિષદમાં લેવાની તરફેણ અમેરિકાએ કરી હતી. જેટલીએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, નહેરુના પત્રથી ઘણી બધી બાબતો સ્પષ્ટ થાય છે. જવાહરલાલ નહેરુએ એ વખતે ચીનને સાથ આપ્યો હતો. તે વખતે જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે, સુરક્ષા પરિષદમાં ચીન સામેલ ન થાય તે યોગ્ય નથી. રાહુલ ગાંધી મૂળભૂત દોષિત કોણ છે તેનો જવાબ આપે તે જરૂરી છે.