નવીદિલ્હી : બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ આજે લોકસભા ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોના નામને આખરી ઓપ આપી દીધો હતો. બહુજન સમાજ પાર્ટીની સાથે સાથે એનસીપી દ્વારા પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોની યાદી જુદા જુદા પક્ષો દ્વારા જાહેર કરવાની શરૂઆત થઇ ચુકી છે. આની સાથે જ રાજકીય ગરમી વધી ગઈ છે. માયાવતીએ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ ઉમેદવારના નામને લઇને હજુ સુધી પત્તા ખોલ્યા નથી. માયાવતીએ પાર્ટી કાર્યકરોને અપીલ કરતા કહ્યું છે કે, બસપ, સપા અને આરએલડીને જીતાડવા માટે તમામ પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે.
માયાવતીએ કહ્યું છે કે, ભાજપ જાતિવાદી, ગરીબ વિરોધી અને સાંપ્રદાયિક પાર્ટી છે. આ પાર્ટી તમામ પ્રકારના પ્રયોગ કરીને ચૂંટણી જીતવામાં વિશ્વાસ રાખે છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાં બસપ અને સપા સારા વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. બસપના વડાએ કહ્યું હતું કે, દેશમાં ભાજપની હાલત ખરાબ છે. સત્તા જવાનો ભય દેખાઈ રહ્યો છે. કેન્દ્રની મોદી ખોટા વચનો આપીને સત્તામાં આવી હતી. ચૂંટણી દરમિયાન ઇવીએમ ઉપર નજર રાખવામાં આવે તેવી વાત માયાવતીએ કરી હતી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે પોતાના અનેક ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ બસપ દ્વારા હજુ સુધી પોતાના પત્તા ખોલવામાં આવ્યા નથી.
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં સીટો રહેલી છે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. ૧૮મી માર્ચથી ઉમેદવારીપત્રો દાખલ કરવાની શરૂઆત થશે. એમ માનવામાં આવે છે કે, કેટલાક પ્રભારીના નામ દૂર થઇ શકે છે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે જે પૈકી ૧૧મી એપ્રિલથી લઇને ૧૯મી મે સુધી ચૂંટણી ચાલશે. ૨૩મી મેના દિવસે મતગણતરી થશે.