નવી દિલ્હી : ભારત, અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના દેશોના લોકો ગઇકાલે મોડી રાત્રે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વર ક્રેશ થઇ જતા ભારે હેરાન પરેશાન થઇ ગયા હતા. આ તમામ દેશોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ ડાઉન થઇ ગઇ હતી. જેના કારણે યુજરોને આશરે આઠ કલાક સુધી આ બંને સોશિયલ મિડિયા પ્લેટફોર્મના ઉપયોગને લઇને ભારે તકલીફ આવી હતી. આ ગાળા દરમિયાન કેટલાક યુઝરોના ફેસબુક અને ઇન્ટાગ્રામના એકાઉન્ટ ખુલી શક્યા ન હતા. કેટલાકને પોસ્ટ કરવામાં, લાઇક કરવામાં અને કોમેન્ટ કરવામાં તકલીફ આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર યુજર્સને ફોટો અપલોડ કરવામાં તકલીફ પડી હતી. આ ઉપરાંત દુનિયાના કેટલાક હિસ્સામાં તો વોટ્સ એપ સેવા પણ કેટલાક કલાકો સુધી ઠપ્પ રહી હતી. ઇન્સ્ટાગ્રામે સવારમાં ટ્વીટ કરીને કહ્યુ હતુ કે અમને આ બાબતની માહિતી મળી છે કે યુઝર્સને ઇન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં પરેશાની આવી રહી છે.
અમને ખબર છે કે આ બાબત હેરાનીવાળી છે. અમારી ટીમ આ તકલીફને દુર કરવામાં લાગેલી છે. ફેસબુકે પણ મોડી રાત્રે ૧૧.૩૦ વાગે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે કેટલાક લોકોને પરેશાની આવી રહી છે. શરૂઆતમાં માનવામાં આવી રહ્યુ હતુ કે આ એક ડીડીઓએસનો હુમલો છે. જા કે ફેસબુકે આવા હેવાલને રદિયો આપ્યો હતો. કેટલાક યુઝર્સે કહ્યુ હતુ કે તેમને ભારે પરેશાની આવી રહી છે. ડાઉન ડિટેક્ટરના કહેવા મુજબ ભારતમાં ફેસબુક અને મેસેન્જર બુધવારે રાત્રે ડાઉન થઇ ગયા બાદ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. આ એપ્સ ડાઉન થવાના કારણે યુઝર્સોને ભારે તકલીફ આવી રહી હતી. શરૂઆતમાં યુઝરોને આ અંગે પાકી માહિતી હાથ ન લાગતા અટકળોનો દોર રહ્યો હતો. જા કે મોડેથી આ સંબંધમાં જાણ કરવામાં આવી હતી.