” યજ્ઞાર્થાત્કર્મણોડન્યત્ર લોકોડયં કર્મબન્ધન: ।
તથર્દ કર્મ કૌંતેય મુત્કસંડ્ગ: સમાચર ॥ ૩/૯ ॥ “
અર્થ –
જો તું કર્મ નહિ કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે ? આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મ બંધનથી બાંધે છે . એથી હે અર્જુન, તું કર્મ કર પણ અનાસક્ત (અલિપ્ત ) રહીને કર.
— આ શ્ર્લોકમાં ભગવાને અર્જુનને આસક્ત થયા વિના કર્મ કરતા રહેવા જણાવ્યું છે . કેમકે કોઇ વ્યક્તિ કશું જ કામ કર્યા વિના બેસી રહે એ તો કેમ ચલાવી લેવાય ? મનુષ્યના પોતાના જીવનનિર્વાહ માટે અને કુટુંબના અન્ય સભ્યોના નિર્વાહ માટે પણ કમાવું તો જરુરી છે. કમાવા માટે જે ધંધો કે રોજગાર કરવો પડે છે તેનો શાસ્ત્રમાં દર્શાવેલા કર્મ શબ્દમાં સમાવેશ થાય છે. તમે સંસારમાં આવ્યા છો તમને મનુષ્યરૂપી દુર્લભ દેહ મળ્યો છે તો તેનો લાભ લઈ તમારે ભક્તિ કરવાની છે . પ્રભૂને પામીને છેવટના ધ્યેય તરીકે મોક્ષને પામવાનો છે પણ એને માટે જો તમે કર્મ કરવાનું જ બંધ કરી દો તો તમારા દેહના ભરણપોષણ માટે જે જરૂરિયાત છે તે એની મેળે તો પૂરી થઇ જવાની નથી તો તમારે જીવનમાં કર્મ તો કરતા જ રહેવું પડશે પણ ભગવાન કહે છે તેમ કર્મમાં આસક્તિ અથવા તો કર્મ કોઇ ફળનો મોહ રાખ્યા વિના જ કરવાનું છે. કારણ કે જો તમે કશોક મોહ રાખીને જ કર્મ કરશો તો તેનાથી કર્મનું બંધન ઉભુ થાય છે. જે પરત્માની પ્રાપ્તિમાં બાધક બને છે એટલે આસક્ત થયા વિના જ કર્મ કરવામાં આવે તો તે કર્મ મનુષ્યને અંતમાં પરત્માની પ્રાપ્તિ અચૂક કરાવે છે. આમ કર્મ કરવું એ પણ એક યોગ કરવા બરાબર છે. એથી જ તો કર્મને કર્મયોગ ગણાવાયેલ છે. ચાલો આપણે સૌ આસક્તિ રાખ્યા વિના આપણાં કર્મ કરતા જ રહીએ.
અસ્તુ…
- અનંત પટેલ