નવી દિલ્હી : ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરને આચારસંહિતા ભંગના મામલામાં મંગળવારે અટકાયતમાં લેમાં આવ્યા હતા ત્યારબાદ તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે મેરઠમાં મોકલી દેવામાં આવ્યા હતા. આની સાથે જ પૂર્વીય ઉત્તરપ્રદેશના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા ચંદ્રશેખરના ખબર અંતર પુછવા મેરઠ પહોંચી ગયા હતા. લોકસભાની ચૂંટણી વચ્ચે આ મુલાકાતને લઇ રાજકીય અટકળો વધી તીવ્ર બની હતી. ગઇકાલે મંગળવારે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર અનેક સમર્થકો સાથે દેવબંધ વિસ્તારમાં રેલીમાં પહોંચ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, આચારસંહિતા લાગૂ હોવા છતાં તેઓ મંજુરી વગર આ કાર્યક્રમ કરી રહ્યા હતા જેથી તેમની ધરપકડ કરવામમાં આવી છે. જિલ્લા અધિકારી એકે પાંડેએ જણાવ્યું હતું કે, તેમને સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ માન્યા ન હતા ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી તેમને મેરઠની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. ભીમ આર્મીના કાર્યકર્તાઓએ જબરદસ્તી તેમની ધરપકડ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ તમામ વચ્ચે કોંગ્રેસના ઉત્તરપ્રદેશના બંને સચિવો મેરઠમાં ચંદ્રશેખરને મળવા પહોંચી રહ્યા છે. આને લઇને રાજકીય ચર્ચાનો દોર વધુ તીવ્ર બન્યો છે.
લોકસભાની ચૂંટણીને લઇ ચંદ્રશેખરને પાર્ટીમાં સામેલ કરવાને લઇને પણ અટકળો વથી તીવ્ર બની ગઈ છે. જા કે, સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આને સમર્થન મળી રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ ગઇકાલે મંગળવારના દિવસે જ કોંગ્રેસમાં સામેલ થયા હતા. ચંદ્રશેખરને મળવાને લઇને દેશમાં રાજકીય ગરમી વધી ગઈ છે.