લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરીમાં લાગેલા છે. છેલ્લી ચૂંટણી વર્ષ ૨૦૧૪માં યોજાઇ હતી. એ વખતે નરેન્દ્ર મોદીની દેશભરમાં જોરદાર લહેર જોવા મળી હતી. આવી સ્થિતીમાં મોટા ભાગના રાજ્યોમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટો જીતી લીધી હતી. મોદી લહેર દેશભરમાં હતી ત્યારે પણ તમિળનાડુમાં તેની કોઇ અસર દેખાઇ ન હતી.
આંકડા પરથી આની સાબિતી મળે છે. કારણ કે એ વખતે પણ જયલલિતાના નેતૃત્વમાં અન્નાદ્રમુકે ૩૭ સીટો જીતી લીધી હતી. મોદી લહેર વચ્ચે પણ તમિળનાડુમાં ભાજપને માત્ર એક સીટ મળી હતી. આવી સ્થિતીમાં હવે જયલલિતા નહીં હોવાથી વર્ષ ૨૦૧૪ જેવા તેના દેખાવને અન્નાદ્રમુક જાળવી શકશે કે કેમ તેને લઇને પડકારો ઉભા થઇ ગયા છે. જયલલિતા જેવી મતદારોમાં ભારે લોકપ્રિયતા ધરાવનાર કોઇ લીડર હવે આ પાર્ટીમાં નથી. જેથી અન્નાદ્રમુકને વફાદાર રહેલા મતદારો હવે શુ કરશે તેને લઇને ચર્ચા છે. તમિળળનાડુમાં મતદારોની સંખ્યા ૫.૯૧ કરોડ છે. જે પૈકી પુરૂષ મતદારોની સંખ્યા ૨.૯૨ કરોડની છે.
જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૨.૯૮ કરોડની છે. પુરૂષ કરતા મહિલા મતદારો વધારે છે. અન્ય મતદારોની સંખ્યા ૫૪૭૨ છે. છેલ્લી ચૂંટણીમાં જયાના માર્ગદર્શન હેઠળ પાર્ટી આગળ વધી હતી. હવે તેની પાસે આવા કોઇ જાદુઇ લીડર નથી. આવી સ્થિતીમાં તેની સામે અગ્નિ કસૌટી રહેનાર છે. સામે કરૂણાનિધીના અવસાન બાદ ડીએમકેની હાલત પણ સારી નથી. કારણ કે કરૂણાનિધીના પુત્ર સ્ટાલિન એટલી શક્તિ ધરાવતા નથી જેટલી શક્તિ કરૂણાનિધી ધરાવતા હતા. કરૂણાનિધીની મતદારોમાં જોરદાર લોકપ્રિયતા હતી. આવી સ્થિતીમાં બંને પાર્ટી હવે નવા દાખલા બેસાડીને આગળ વધવા માટે ઇચ્છુક છે. મતદારો બંને પૈકી કોને મહત્વ આપે છે તે બાબત નિર્ણાયક સાબિત થઇ શકે છે.