અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં સરદાર પટેલ સ્મારક ભવનમાં યોજાયેલી કોંગ્રેસ વ‹કગ કમિટીની બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓએ આજે ગુજરાતી ભોજનનો આસ્વાદ માણ્યો હતો. ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા અને સોનિયા ગાંધીએ પણ ગુજરાતની ભોજનની લુત્ફ ઉઠાવી હતી. કોંગ્રેસના નેતાઓને ગુજરાતની ભોજનના સ્વાદનો ચટાકો પડી ગયો હતો. અમદાવાદમાં પધારેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ માટે આજે ગુજરાતી ભોજનની ખાસ કરીને વિશેષ મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓને બાજરીના રોટલા, રીંગણાનું ભડથું, ઉંધીયુ, પુરી, જલેબી, પુરણપોળી અને બટાકાનું શાક તથા ફરસાણમાં લીલવાની કચોરી, ઢોકળા પીરસાયા હતા.
કોંગી નેતાઓને ગુજરાતી ભોજનનો સ્વાદ બહુ ભાવ્યો હતો અને તેઓએ તેના ભરપૂર વખાણ કર્યા હતા. ગુજરાતના કેટલાક સ્થાનિક નેતાઓએ ગુજરાતી ભોજન અને વાનગીઓની આમંત્રિત રાષ્ટ્રીય મહાનુભાવોને જાણકારી અને સમજ પણ આપી હતી. તો, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી માટે અલગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજના ભોજન મેનુમાં કોંગ્રેસના નેતાઓને નોનવેજ નહીં પીરસવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેઓને માત્ર શુદ્ધ ગુજરાતી ભોજન જ પીરસવામાં આવ્યું હતું.
બીજીબાજુ, એક દિવસ પહેલાં આવી ચૂકેલા કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ સહિતના કેટલાક નેતાઓએ ગઇકાલે રાત્રે શહેરના જૂના અને જાણીતા માણેકચોકમાં ભાજીપાઉં અને પીઝાનો સ્વાદ માણ્યો હતો. ગુજરાતના મહેમાન બનેલા કોંગ્રેસના નેતાઓને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અમદાવાદમાં મોડી રાતે જમવા માટે જાણીતા માણેકચોક લઈ ગયા હતા. સાંસદ અહેમદ પટેલ, પ્રિયંકા ચતુર્વેદી, જયવીર શેરગીલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય શૈલેશ પરમાર સહિતના દિલ્લી અને અન્ય રાજ્યોમાંથી આવેલા કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના નેતાઓ સાથે ભાજીપાઉં, ઢોસા, પીઝા અને ફાલુદાનો આસ્વાદ માણ્યો હતો. તેમની હાજરી સ્થાનિક લોકોમાં નોંધનીય બની રહી હતી.