અમદાવાદ : લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાના ઇરાદા સાથે કોંગ્રેસે આજે ગુજરાતમાં મહામંથન કર્યું હતું. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને અનેક મુદ્દા પર ઘેરવાના પ્રયાસ કર્યા હતા. જવાનોને નમન કરીને ચૂંટણી રણનીતિના પણ સંકેત આપ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી ચૂંટણી ફાયદા માટે લોકોની ભાવના સાથે રમત રમે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કારોબારીની બેઠકના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું હતું કે કારોબારીમાં દેશના રાજકીય સંવાદમાં કડવાશ અને ઘટતા જતા સ્તરને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ભારત માટે કમનસીબ બાબત છે. બેઠકમાં રાષ્ટ્રીય એકતાના મુદ્દા ઉપર ચર્ચા થઇ હતી. મોદી સરકાર દેશની સંસ્થાઓ ઉપર પ્રહાર કરી રહી છે.
આરબીઆઈ, સીબીઆઈ, ઇડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશમાં એવું વાતાવરણ છે જે કોઇપણ પ્રજાતંત્રમાં સ્વિકાર્ય નથી. આનંદ શર્માએ કહ્યું હતું કે, રોજગારનો મુદ્દો મુખ્ય છે. ૧૦ કરોડ રોજગાર આપવાના બદલે નોકરીઓ ઘટી છે અને બેરોજગારી વધી છે. સને ૧૯૬૧ બાદ એટલે કે, ૫૮ વર્ષો બાદ ગુજરાતમાં આજે કોંગ્રેસ પક્ષની ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યકારિણીની બહુ મહત્વની અને ઐતિહાસિક બેઠક મળી હતી. જેમાં ગુજરાત સહિત દેશની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીતને લઇ રણનીતિ નક્કી થઇ હતી. બેઠકમાં દેશમાં બેરોજગારી, ખેડૂતોની દેવામાફી, મહિલાઓની સુરક્ષા, દેશના વિકાસ સહિતના પ્રવર્તમાન અગત્યના મુદ્દાઓ પર અગત્યની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, લોકસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ રાફેલ ડીલના મોદીના પર્સનલ ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતોની દેવામાફી સહિતના મુદ્દાઓ પ્રજાની વચ્ચે લઇ જશે અને મત માંગશે.
આજે વિધિવત્ રીતે કોંગ્રેસમાં જાડાયેલા હાર્દિક પટેલ મુદ્દે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં જીતશે. રાહુલે સાફ સંકેત આપી દીધો કે, કોંગ્રેસ હાર્દિકને લોકસભાની ટિકિટ આપવાની છે, તેથી જ તેના જીતવાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા આજે મળેલી કોંગ્રેસની બહુ મહત્વની એવી આ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત, મહાસચિવ પ્રિયંકા ગાંધી, શ્રીમતી સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ, કોંગ્રેસના ટોચના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ, એહમદ પટેલ, અશોક ગેહલોત, જયોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ સહિત ૫૦થી વધુ રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસના તમામ નેતાઓએ આજે સવારે સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પહોંચી પ્રાર્થનાસભામાં હાજરી આપ્યા બાદ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ત્યારબાદ શાહીબાગના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે કોંગ્રેસ વ‹કગ કમીટીની બેઠકમાં પહોંચ્યા હતા. જેમાં લોકસભાની ચૂંટણીને લઇ મહત્વની રણનીતિ, નિર્ણયો અને રૂપરેખા સહિતની વ્યૂહાત્મક કૂટનીતિ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત અને કેન્દ્રમાં સત્તા હાંસલ કરવાની રણનીતિ પણ નક્કી થઇ હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વ‹કગ કમીટીની બેઠકને લઇ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલાની આ મહત્વની બેઠકમાં દેશમાં ં દેશમાં બેરોજગારી, ખેડૂતોની દેવામાફી, મહિલાઓની સુરક્ષા, દેશના વિકાસ સહિતના પ્રવર્તમાન અગત્યના મુદ્દાઓ પર અગત્યની ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. કોંગ્રેસનું સૌથી મુખ્ય ફોક્સ યુવાઓને રોજગારી અપાવવા માટેનું છે અને દેશમાંથી બેરોજગારી નાબૂદ કરવાનું છે. ગુજરાત સહિત લોકસભાની આગામી ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પક્ષ રાફેલ ડીલના મોદીના પર્સનલ ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતોની દેવામાફી સહિતના મુદ્દાઓ જનતાની વચ્ચે લઇ જશે. પુલવામા હુમલા બાદ જા કે, માહોલ બદલાયો છે તે વાતને ફગાવતાં રાહુલે જણાવ્યું કે, દેશમાં મુખ્ય મુદ્દાઓ યથાવત્ છે અને જનતા તે સારી રીતે સમજે છે, તેનાથી ભટકી શકાય નહી. અમે દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં અને લોકોની અપેક્ષા સંતોષવા માટે કટિબધ્ધ છીએ અને તેને લક્ષ્યમાં રાખીને જ આગળ વધીશું. દરમ્યાન હાર્દિક પટેલ મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, હાર્દિક લોકસભાની ચૂંટણી જીતશે. એટલે કે, કોંગ્રેસ હાર્દિકને લોકસભાની ટિકિટ આપશે તે વાતનો સાફ સંકેત રાહુલે આજે આપી દીધો હતો.