નવી દિલ્હી : વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને હેમખેમ મુક્ત કરવા માટે ભારતની સાથે સાથે અમેરિકાએ પાકિસ્તાન પર તીવ્ર દબાણ લાવ્યુ હતુ. કારણ કે ભારત સરકાર ખુબ આક્રમક મુડમાં હતી. ભારતે સાફ શબ્દોમાં વધુ કઠોર કાર્યવાહી કરવાના સંકેત આપી દીધા હતા. આવી સ્થિતીમાં અમેરિકાએ પાકિસ્તાન પર સતત દબાણ લાવ્યુ હતુ. અભિનંદનને જ્યાં સુધી મુક્ત કરવામાં ન આવ્યા ત્યાં સુધી અમેરિકાએ પાકિસ્તાનના અધિકારીઓ સાથે અનેક વખત વાતચીત કરી હતી.
અભિનંદનની મુક્તિ સુધી અમેરિકાએ દબાણ રાખ્યુ હતુ. પડોશી દેશ પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારતની ત્રણેય સેનાઓએ હાલમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો દુનિયાની સામે પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ત્રણેય સેનાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, અમારી લડાઈ આતંકવાદ સામે છે અને જા પાકિસ્તાન ત્રાસવાદીઓની સામે હજુ કાર્યવાહી નહીં કરે અને સંરક્ષણ આપશે તો ભારત જવાબી કાર્યવાહી જારી રાખશે. પાકિસ્તાનની ખોટી બાબતોને સ્પષ્ટરીતે રજૂ કરવામાં આવી હતી.
ભારતીય હવાઈ દળ તરફથી એરવાઈસ માર્શલ આરજીકે કપૂરે વિસ્તારપૂર્વક પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ૨૭મી ફેબ્રુઆરીના દિવસે સવારે ૧૦ વાગે એરફોર્સના રડાર ઉપર પાકિસ્તાનના કેટલાક જેટ આવતા નજરે પડ્યા હતા. ત્યારબાદ હવાઈ દળના યુદ્ધવિમાન મિરાજ, સુખોઈ અને મિગ-૨૧એ તેમનો સામમનો કર્યો હતો. હવાઇ સંઘર્ષ દરમિયાન વિંગ કમાન્ડરના વિમાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તેઓ પેરાશુટથી કુદી ગયા હતા પરંતુ પવન હોવાના કારણે પાકિસ્તાન ક્ષેત્રમાં ઉતર્યા હતા. જ્યાં પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લઇ લીધા હતા. ભારે દબાણ બાદ અભિનંદનને છોડવામાં આવ્યા હતા.