અમદાવાદ : શ્રી સુંધા(ચામુંડા) માતાજી, રાજસ્થાન પગપાળા યાત્રા સંઘનું આજે ભાજપના નેતાઓની ઉપÂસ્થતિ વચ્ચે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ ખૂબચંદભાઇ થાવાણીના કુબેરનગર વિસ્તારમાં સ્વામી હરનામદાસ સોસાયટી ખાતેથી ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે વાજતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શ્રી સુંધા(ચામુંડા) માતાજી, રાજસ્થાન પગપાળા યાત્રા સંઘ ભાર્ગવ રોડથી બંગલા એરિયા થઇ કુબેરનગર બજાર થઇ માતાજીના જય ઘોષ સાથે ફરતો ફરતો નીકળ્યો હતો, સંઘનું જુદા જુદા માર્ગો પર તમામ સમાજના લોકો દ્વારા ભારે ભકિત અને આસ્થા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પગપાળા સંઘમાં આશરે ૩૦૦થી વધુ ભાવિકભકતો જાડાયા છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી સતત ૧૧ મા વર્ષે શ્રી સુંધા(ચામુંડા)માતાજી, રાજસ્થાન પગપાળા સંઘ લઇને જઇ રહ્યા છે.
તેઓ પગપાળા-ચાલતા આજથી દસમા દિવસે ૩૦૦ કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપીને તા.૨૦-૩-૨૦૧૯ના રોજ બુધવારે હોળી પૂનમના દિવસે રાજસ્થાન ખાતે સુપ્રસિધ્ધ શ્રી સુંધા માતાજીના મંદિરે સવારે દસ વાગ્યે ધર્મ ધજા ચઢાવી, મહાઆરતી કરશે. આ પ્રસંગે ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે. શ્રી સુંધા(ચામુંડા)માતાજી, રાજસ્થાન પગપાળા સંઘનું સતત ૧૧ મા વર્ષે પરમપૂજય સત્ગુરૂ સંત મોનુરામજી મહારાજના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૧ વર્ષોથી નિયમિત રીતે દર વર્ષે પગપાળા સંઘ લઇને શ્રી સુંધા માતાજીના દર્શનાર્થે જતાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી આ દસ દિવસ બિલકુલ મૌન રાખે છે અને મોબાઇલ સુધ્ધાં પોતાની પાસે રાખતા નથી.
દસ દિવસ બસ માતાજીની પૂજા-આરાધના અને તેમનું સ્મરણ જ તેમને શકિત આપે છે એમ કહેતાં ધારાસભ્ય બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે, માતાજીની ભકિતમાં જ અપાર અને અનોખી શકિત છે અને તેનો હું સાક્ષાત્કાર માનું છું. આ વર્ષે હું શ્રી સુંધા માતાજીને ખાસ પ્રાર્થના કરવાનો છું કે, માતાજી આપણા દેશના વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીને અપાર શકિત અને બળ આપે જેના થકી તે આંતકવાદી અને આસુરી તત્વોનો સંહાર કરી શકે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજય અને મોદી સરકારના ફરી એકવાર સત્તા પર આવી સુશાસનની તેમણે કામના વ્યકત કરી હતી.
આ પ્રસંગે થાવાણી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો પણ રાજયના વિકાસ અને આમજનતાની મુશ્કેલી હલ કરવા બદલના પ્રયાસો હાથ ધરવા બદલ આભાર વ્યકત કર્યો હતો. શ્રી સુંધા(ચામુંડા)માતાજીના પગપાળા સંઘના વાજતેગાજતે, માતાજીના ભજનો અને ગીતો સાથે ભવ્યાતિભવ્ય રીતે પ્રસ્થાન પ્રસંગે અમ્યુકો ભાજપ નેતા અમિત શાહ, અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, અસારવા, નરોડા, સરદારનગર અને કુબેરનગરના કાઉન્સીલરો સહિતના મહાનુભાવો, સિંધી સમાજ, પટેલ સમાજ, ભરવાડ સહિતના મારવાડી સહિતના અન્ય સમાજના અગ્રણીઓ સહિતના હજારો લોકો માતાજીની રથના દર્શનાર્થે ઉમટયા હતા. આ પ્રસંગે માર્ગો પર ભકિતનો માહોલ છવાયો હતો.