શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામામાં ત્રાસવાદી હુમલા બાદ સેનાએ આતંકવાદની સામે મોટી કાર્યવાહી કરીને ૨૧ દિવસના ગાળામાં જ ૧૮ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. સેના અને સુરક્ષા દળો એક પછી એક કાર્યવાહી કરી રહ્યા છે જેના ભાગરુપે આ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સોમવારે સેનાની ૧૫મી કોરના જીઓસી કેજેએસ ધીલને પત્રકાર પરિષદ યોજીને આ મુજબની માહિતી આપી હતી. જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના અધિકારીઓની સાથે શ્રીનગરમાં પત્રકાર પરિષદ યોજીને તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૨૧ દિવસના ગાળામાં જે આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાં આઠ પાકિસ્તાની ત્રાસવાદીઓ છે. મોટી સંખ્યામાં આતંકવાદીઓ ટ્રેનિંગ પામેલા હતા.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતમાં ઘુસણખોરી કરીને આ આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા. જીઓસીએ કહ્યું હતું કે, છેલ્લા થોડાક દિવસમાં ત્રાસવાદીઓની સામે અનેક મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, તમામ સંસ્થાઓએ સફળતાપૂર્વક ઓપરેશનમાં ભાગ લીધો છે.
શ્રીનગરમાં થયેલી સુરક્ષા દળોની સંયુક્ત પત્રકાર પરિષદમાં પુલવામા એન્કાઉન્ટરની માહિતી આપતા કાશ્મીર રેંજના આઈજી પ્રકાશ પાનીએ કહ્યું હતું કે, રવિવારના દિવસે પુલવામાના પિંગલિસમાં અથડામણમાં સેના અને ત્રાસવાદીઓ વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં સેનાન જવાનોએ જૈશના આતંકવાદી મુદસ્સિરને ઠાર કરી દીધો છે. મુદસ્સિર છેલ્લા ઘણા સમયથી સક્રિય હતો. તે મોટા હુમલાને અંજામ આપવામાં સામેલ રહ્યો હતો. મુદસ્સિર અને તેના સાથીઓ પુલવામામાં છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અન્ય માહિતી મોડેથી પુરી પડાશે.