નવી દિલ્હી : ઇથોપિયાના આદિસ અબાબાથી નેરોબી જતા ઇથોપિયન એરલાઇન્સના વિમાનની દુર્ઘટના થયા બાદ આ ઘટનામાં ભારતીય પરિવારના છ સભ્યોના મોત થયા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. મૃતકોમાં એક યુએનડીપીના સલાહકાર શિખા ગર્ગ પણ છે. કેન્દ્રિય પ્રધાન હર્ષવર્ધને ટ્વીટ કરીને કહ્યુ છે કે આ વિમાને ઉડાણ ભર્યા છ મિનિટ પછી તુટી પડ્યુ હતુ. સુષ્મા સ્વરાજે પિડિત પરિવારની મદદ કરવા માટે દુતાવાસના અધિકારીઓને સુચના આપી છે. સાથે સાથે આ અંગે દુખ વ્યક્ત કર્યુ છે.
ઇથોપિયામાં ભારતીય દુતાવાસ તરફથી માહિતી આપવામાં આવી છે કે ચાર ભારતીય લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં વૈદ્ય પન્નાગેશ ભાસ્કર, વૈદ્ય હનસીન અન્નાગેશ, નુકાવારાપુ મનીષા અને શિખા ગર્વનો સમાવેશ થાય છે. તેમના પરિવાર સુધી પહોંચી જવા માટે કહેવામાં આવ્યુ છે. ઇથોપિયામાં ભારતીય દુતાવાસ દ્વારા પિડિત પરિવારની મદદ કરવા માટે કેટલાક સંપર્ક નંબર જારી કરી દીધા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પોતે દુતાવાસના અધિકારીઓના સંપર્કમાં છે. ઇથોપિયાના અદીસ અબાબાથી નૈરોબી જઇ રહેલું ઇથોપિયન એરલાઈન્સનું વિમાન ગઇકાલે રવિવારના દિવસે ઉંડાણ ભર્યાના છ મિનિટના ગાળામાં જ તુટી પડ્યું હતું. જેમાં તમામ ૧૫૭ લોકોના મોત થઇ ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં ૧૪૯ યાત્રીઓ અને ૮ ક્રૂ મેમ્બરોનો સમાવેશ થાય છે. ઇથોપિયન એરલાઇન્સમાં મૃતકોમાં કેનેડા, ચીન, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ઇથોપિયાના નાગરિકો હતા.
ઉંડાણ ભર્યા બાદ સવારે ૮.૪૪ વાગે સંપર્ક તુટી ગયો હતો. પાટનગર અદીસથી ૬૦ કિલોમીટરના અંતરે ફ્લાઇટ ઇટી-૩૦૨ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. અકસ્માતના મામલે ઉંડી તપાસ ચાલી રહી છે.