અમદાવાદ : માનવ વિકાસ અને સંશાધન કેન્દ્ર(એચડીઆરસી), અમદાવાદ દ્વારા શહેરના ૨૪ સ્લમ વિસ્તારના ૭૫૧૨ કુંટુબોના પ્રતિનિધિરૂપ ૧૪૨ વ્યકિતઓનો એક અનૌપચારિક મહત્વનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એવી ચોંકાવનારી અને મહત્વની બાબતો સામે આવી હતી કે, અમદાવાદ શહેરમાં આજે પણ એક હજારથી વધુ લોકોને ખુલ્લામાં શૌચક્રિયા કરવાની ફરજ પડે છે. તો, વાજબી ભાવની દુકાનોમાંથી નિયમ મુજબ અનાજ ગરીબ વર્ગને મળતું નથી. બારકોડમાં અગૂંઠાના નિશાન માટે પાંચ રૂપિયા લેવામાં આવતી હોવાની ચોંકાવનારી વાત પણ સામે આવી છે. આ સર્વેમાં જાહેર વિતરણ વ્યવસ્થા(પીડીએસ), ખુલ્લામાં શૌચક્રિયા(ઓડીએફ) અને શહેરના વિકાસ માટે સ્થળ પરથી ખસેડી અન્ય જગ્યાએ પુનઃવસન પામેલા લોકો(ડિસપ્લેસ્ડ પીપલ)ની હાલની સ્થિતિને આવરી લેવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરના ૨૪ સ્લમ વિસ્તારની સ્થિતિનો એચડીઆરસી દ્વારા હાથ ધરાયેલા મહત્વના સર્વેમાં સામે આવેલી ચોંકાવનારી હકીકતો અંગે સંસ્થાના ફિલ્ડ કો-ઓર્ડિનેટર દિપક સોલંકી, પ્રોજેકટ મેનેજર શહેનાઝ અન્સારી અને ફિલ્ડ વર્કર ભાવનાબહેન રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના સર્વેમાં સમાવિષ્ટ વિસ્તારમાં આજે પણ ૧૭૯૫ પરિવારોને અન્ન પુરવઠા નિયંત્રણ કચેરી તાબા હેઠળ આવતી વાજબી ભાવની દુકાનોમાંથી ધારાધોરણ મુજબ, અનાજ મળતું નથી. તો.,૫૧૧૬ પરિવારોને એપીએલ રાશનકાર્ડ હોવાથી અનાજ મળતું જ નથી. ૧૪૨ પરિવારો પાસેથી દર મહિનાના અંતે સસ્તા અનાજની દુકાને બારકોડ સીસ્ટમમાં આંગળીઓના નિશાન આપતી વખતે દુકાનદાર દ્વારા પાંચ રૂપિયા લેવામાં આવતા હતા અને તેની કોઇ પહોંચ પણ આપવામાં આવતી ન હતી તેવી બહુ ગંભીર અને સનસનીખેજ વિગતો સામે આવી હતી. સર્વેમાં બીજી જે ચોંકાવનારી અને ખળભળાટ મચાવનારી વાત સામે આવી હતી, તે એ હતી કે, ગુજરાત સરકાર ઓપન ડેફેકશન ગુજરાતની વાત કરી રહી છે.
સ્વચ્છતા બાબતે હમણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પુરસ્કાર પણ મળ્યો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, અમદાવાદ શહેરમાં આજે પણ ૧૦૩૦ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યા છે. શહેરના વિકાસમાં કેટલાય પરિવારોને મૂળ જગ્યાએથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવામાં આવ્યા છે પરંતુ તેમને નવા સ્થળ પર પાણી, સફાઇ જેવી પાયાની સુવિધા જ પ્રાપ્ત કરાઇ નથી. એચડીઆરસીના ફિલ્ડ કો-ઓર્ડિનેટર દિપક સોલંકી, પ્રોજેકટ મેનેજર શહેનાઝ અન્સારી અને ફિલ્ડ વર્કર ભાવનાબહેન રાઠોડે રાજય સરકાર સમક્ષ આ તમામ મુદ્દે મહત્વપૂર્ણ માંગણી કરતાં જણાવાયું હતું કે, રાજય સરકાર દ્વારા તમામ પરિવારોને ધારાધોરણ મુજબ, અનાજ આપવામાં આવે, બારકોડ નિશાન વેરીફાઇ દરમ્યાન જે પાંચ રૂપિયા ગેરકાયદે રીતે લેવાય છે, તે તાત્કાલિક બંધ કરાવવામાં આવે. બીપીએલ પરિવારોને પણ અનાજ મળવુ જાઇએ. ઓછુ અનાજ આપતાં દુકાનદારોની વિજિલન્સ તપાસ કરીને થતાં ભ્રષ્ટાચારને રોકવામાં આવે. ખુલ્લામાં શૌચ જતાં પરિવારો માટે તાત્કાલિક શૌચાલયની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. પુનર્વસન પામેલા પરિવારોને નજીકમાં સસ્તા અનાજની દુકાન ફાળવવામાં આવે તેમ જ નજીકમાં રોજગારની વ્યવસ્થા કરવામાં આવે. દરમ્યાન ઉપરોકત સર્વેમાં બહાર આવેલી હકીકતોને લઇ સરકાર અને તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.