નવી દિલ્હી : સામાન્ય ચુંટણીથી પહેલા વિપક્ષી એકતાના પ્રયાસોને સતત ફટકો પડી રહ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે બિહારમાં પણ ગઠબંધનમાં ખેંચતાણ દેખાઈ રહી છે. બિહારની ૪૦ બેઠકો પર હજુ સુધી કોઈપણ સહમતી સધાઈ નથી. રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય સાથી પક્ષોએ કોંગ્રેસ પાર્ટીને ૧૩મી માર્ચ સુધી સ્પષ્ટતા કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. ૧૩મી માર્ચ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
૪૦ સીટો પર આરજેડી, કોંગ્રેસ ઉપરાંત મુકેશ સહાની, ઉપેન્દ્ર કુશવાહ, જિતનરામ માઝી અને શરદ યાદવની પાર્ટી પણ ગઠબંધનમાં રહીને ચુંટણી લડવાની જાહેરાત કરી ચુકી છે. જાકે તેમની વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મામલો અટવાઈ પડ્યો છે. કોંગ્રેસ ઓછામાં ઓછી ૧૨ સીટોની માંગણી કરી રહી છે. જ્યારે આરજેડી દ્વારા કોંગ્રેસને ૧૦ સીટો આપવાની વાત કરવામાં આવી રહી છે. આરજેડીનું કહેવું છે કે કોંગ્રેસ આ પ્રકારની સીટો અંગે પણ ખુલાસો કરે કારણ કે તમામ ૪૦ સીટો પર સંતુલન બનાવવાની જરૂર દેખાઈ રહી છે. બંને પક્ષો વચ્ચે કેટલાક નામોને લઈને પણ વિવાદની સ્થિતિ છે.
આરજેડીનું કહેવું છે કે કોંગ્રેસ તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યા બાદ જ બસપા અને ડાબેરીઓ વચ્ચે ગઠબંધનમાં કોઈ શક્યતા ચકાસી શકાય છે. આરજેડીની ઈચ્છા છે કે રાજ્યમાં બસપ અને સીપીઆઈને પણ ૧-૧ સીટની ફાળવણી કરવામાં આવે. આરજેડી સૂત્રોના કહેવા મુજબ સીટોનો મામલો પહેલાથી જ નક્કી નથી જેથી ચુંટણી તૈયારીઓમાં વિલંબ થઈ રહ્યો છે. ૧૨મી માર્ચના દિવસે કોંગ્રેસ પાર્ટીની કારોબારીની બેઠક યોજાનાર છે. આવી સ્થિતિમાં ૧૩મીના દિવસે કોઈ અંતિમ નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. ૧૩મી સુધી જા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ગઠબંધન તૂટી પડશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા આરજેડીના લોકોનું કહેવું છે કે હાલમાં એવી સ્થિતિ ઉભી થઈ નથી પરંતુ આ બાબત પણ વાસ્તવિક છે કે હવે એક એક દિવસ મહત્વપૂર્ણ છે.
વધારે સમય સુધી રાહ જાવાની સ્થિતિ નથી. પટણામાં આરજેડીના બાકી તમામ પક્ષોના નેતાઓની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ પાર્ટીને એક ચોક્કસ સમયની અંદર વલણ સ્પષ્ટ કરવા સૂચના આપવામાં આવે. બિહારમાં ગઠબંધનના મામલામાં કોંગ્રેસનું કહેવું છે કે આ કોઈ મોટો મુદ્દો નથી. એક બે સીટો ઉપર મામલો અટવાયેલો છે. ૧૨મી માર્ચ બાદ આને ઉકેલી લેવામાં આવશે. ભાજપથી કોંગ્રેસમાં પહોંચેલા કિર્તી આઝાદની બેઠક ઉપર પણ સસ્પેન્સ અકબંધ છે. તેમની બેઠક મુકેશ સહાનીને મળે તેમ માનવામાં આવે છે.