ગ્રેટર નોઈડા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગ્રેટર નોઈડામાં અનેક વિકાસ કામોના ઉદ્ઘાટન અને શીલાન્યાસ કર્યા હતા. નોઈડા, ગ્રેટર નોઈડા અને બકસરમાં અનેક ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના શીલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. આ કામો હજારો કરોડ રૂપિયાના છે. મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે એક એવા પણ દિવસો હતા જ્યારે ગ્રેટર નોઈડાની ઓળખ સરકારી નાણાની લૂંટ, જમીન ફાળવણીમાં કૌભાંડ તરીકે થતી હતી.
જ્યારે પણ નોઈડાની વાત આવતી હતી ત્યારે આવા સમાચાર સાંભળવા મળતા હતા. આજે નોઈડા-ગ્રેટર નોઈડાની ઓળખ વિકાસ સાથે થઈ રહી છે. નોઈડા આજે મેક ઈન ઈન્ડિયાના મોટા હબ તરીકે છે. ભારત મોબાઈલ બનાવવાના મામલામાં વિશ્વમાં બીજા સ્થાને છે. જેમાં નોઈડાની ભૂમિકા છે. ૨૦૧૪થી પહેલા અહીં માત્ર બે ફેકટરીઓ મોબાઈલની હતી. જે આજે વધીને ૧૨૫ થઈ છે. સૌથી મોટી સંખ્યામાં ફેકટરીઓ ગ્રેટર નોઈડામાં છે. મોબાઈલ ઉપરાંત અનેક ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓની મોટી કંપનીઓ પણ નોઈડામાં આવેલી છે. લાખોને રોજગારી મળી છે. વડાપ્રધાને કહ્યું હતું કે જેવરમાં હવે સૌથી મોટુ વિમાની મથક બનનાર છે. આને લઈને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. નોઈડાની એર કનેક્ટીવિટી બીજા મોટા શહેરો સાથે જાડવામાં આવશે.
જેથી લોકોને દિલ્હી આવવા જવાની ફરજ પડશે નહીં. પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે સ્વર્ણિમ અવસર છે. આગામી થોડાક સપ્તાહમાં બરેલીથી પણ ઉડાણ શરૂ થશે. દેશના ટાયર-૨ અને ટાયર-૩ શહેર પણ એર કનેક્ટિવીટી સાથે જાડવામાં આવશે. મોદીએ ૬.૬ કિમીના નોઈડા સિટી સેન્ટર-નોઈડા ઈલેકટ્રોનિક સિટી વચ્ચે સુવિધાની શરૂઆત કરી હતી. દિલ્હી મેટ્રોના બ્લુ લાઈનના વિસ્તરણની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રેટર નોઈડામાં આયજિત કાર્યક્રમમાં આની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ગ્રેટર નોઈડાથી બુલંદશહેરમાં ૧૩૨૦ મેગાવોટના થર્મર પાવર પ્લાન્ટની આધારશિલી મુકી હતી. ઉપરાંત વીડિયો લીન્ક મારફતે બકસરમાં ૧૩૨૦ મેગાવોટના પાવર પ્લાન્ટની આધારશિલા મુકી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ રેડ લાઈન સેકશનને લીલી ઝંડી આપી હતી. ગાઝીયાબાદથી કાશ્મીર ગેટ સુધીની મેટ્રોની શરૂઆત થઈ છે. મોદીએ ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.