સિને‘માં’ આમ તો છેલ્લા કેટલાય મહિનાઓથી ઉછળકુદ કરી રહી હતી. વુમન્સ ડે પર ‘કેપ્ટન માર્વેલ’ની રીલિઝ દરેક MCU (માર્વેલ સિનેમેટિક યુનિવર્સ)નાં ચાહકો માટે બ્લોકબસ્ટર પૂરવાર થઈ. એમાં ઉમેરાઈ અમિતાભ બચ્ચન-તાપસી પન્નુ સ્ટારર ‘બદલા’! ઉફ્ફ. ૨૦૧૯નો સૌથી પહેલો શુક્રવાર, જ્યાં બબ્બે ફિલ્મોએ પોતાનાં પ્રેક્ષકોને રીઝવવામાં કોઇ કસર નથી છોડી. ગર્લ પાવર! ઓસ્કર અવોર્ડ વિનીંગ અભિનેત્રી બ્રી લાર્સનને કેપ્ટન માર્વેલનાં અવતારમાં જોઇને દિલ થનગની ઉઠ્યું. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ૨૧મી સળંગ ફિલ્મ! માર્વેલ કોમિક્સનાં લેખક સ્ટેન લીએ (જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા) મોડર્ન-ડે મહાભારત લખી છે એમ કહી શકાય.
એકવીસમી સદીનાં વેદ વ્યાસ! આયર્ન મેન, કેપ્ટન અમેરિકા, હલ્ક, બ્લેક પેન્થર જેવા ૩૦થી પણ વધારે મેલ-સુપરહિરો આપ્યા બાદ હોલિવૂડે હવે પોતાની સૌથી તાકતવર ફિમેલ સુપરહિરો આપણી સામે રજૂ કરી છે. કેપ્ટન માર્વેલ ઇઝ હર નેમ! બાહુબલિનાં કટપ્પાની માફક જેણે ઓડિયન્સમાં સૌથી વધુ આકર્ષણ જમાવ્યું એવા યુનિવર્સલ સુપર-વિલન (ખલનાયકોં કે શહેનશાહ) ‘થેનોસ’ સામે કોઇ લડત આપી શકે એવી એકમાત્ર સુપરહીરો એટલે કેપ્ટન માર્વેલ! જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. પોતાનાં પાત્રને કેમ સક્ષમ પૂરવાર કરી શકાય એ હોલિવૂડ પાસેથી શીખવા જેવું છે.
૧૯૯૫ની સાલમાં આકાર લઈ રહેલી આ તમામ ઘટનાઓનાં તાણાવાણા આગળ-પાછળની એકપણ એમ.સી.યુ. સીરિઝની ફિલ્મો સાથે જોડાયેલા નથી. ટાઇમલાઇન પ્રમાણે જોવા જઈએ તો, કેપ્ટન અમેરિકા બાદ સેકન્ડ ફિલ્મ કેપ્ટન માર્વેલ છે. માર્વેલ સ્ટુડિયો અને ડોલ્બીનું કોમ્બિનેશન હોય ત્યાં ફિલ્મનાં સીજીઆઈ, એનિમેશન, વીએફએક્સ કે સાઉન્ડ વિશે કોઇ ટિપ્પણી ન જ થઈ શકે! નેચરલી, શ્રેષ્ઠ જ હોવાનું! અગત્યની બાબત છે, સ્ત્રી-દિગ્દર્શિકા એન્ના બોડન! યસ્સ, દબંગ હોલિવૂડ ડિરેક્ટર એન્ના બોડને રાયન ફ્લેક સાથે મળીને સમગ્ર ફિલ્મ ડિરેક્ટ કરી છે. એટલું જ નહીં, બંનેએ સ્ક્રીનપ્લે પણ સાથે મળીને લખ્યો છે. ફિલ્મનાં રાઇટર અને મ્યુઝિયનનાં લિસ્ટમાં ગર્લ-પાવરનો કમાલ દેખાયો છે! આવતાં મહિને આવી રહેલી ‘એવેન્જર્સ : એન્ડ ગેમ’ માટે જે ખૂટતી કડીઓની આવશ્યકતા હતી એ તમામની પૂર્તિ થઈ ગઈ. માર્વેલની આ પહેલાની ૨૦ ફિલ્મો નહીં જોઇ હોય તો પણ કોઇ ફર્ક નહીં પડે. પરંતુ હા, અગર જોઇ હશે તો નિક ફ્યુરીની એન્ટ્રી પર આખું ઓડિયન્સ શા માટે સિસોટીઓ મારી રહ્યું છે એનો ખ્યાલ આવી જશે! હેપ્પી વુમન્સ ડે. બિલેટેડ.
બેક-ટુ-બેક બબ્બે બ્લોકબસ્ટર ફિલ્મો જોઇને આવો ત્યારે સિનેમા-લવર તરીકે હળવો સુખદ હાર્ટ-અટૈક આવવાની શક્યતા વધી જાય છે. ‘બદલા’ જોઇને આવ્યા પછી પણ એવું જ ફીલ થયું. સેલ્યુટ ટુ ગર્લ પાવર અગેઇન! તાપસી… તુસ્સી છા ગઈ, કુડી! ૨૦૧૬ની સ્પેનિશ સસ્પેન્સ થ્રિલર ‘ધ ઇન્વિઝિબલ ગેસ્ટ’ની ઓફિશિયલ રીમેક ‘બદલા’ને ડિરેક્ટ કરી છે, બંગાળી દિગ્દર્શક સુજોય ઘોષે!
‘ક્રી’ એલિયન સમુદાયનાં ગ્રહ પર ટ્રેનિંગ લઈ રહેલી વિયર્સ (બ્રી લાર્સન)ને એક ખૂફિયા પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવે છે. આકસ્મિક રીતે, પ્રોજેક્ટ દરમિયાન દુશ્મનનાં હાથોમાં સપડાઈને એ સી-૫૩ (પૃથ્વી) પર પહોંચી જાય છે, જ્યાં તેને મળે છે શિલ્ડ કમાન્ડર નિક ફ્યુરી (સેમ્યુલ જેક્સન)! વિયર્સ વાસ્તવમાં જેમને દુશ્મન માની રહી છે એ ‘સ્ક્રલ્સ’ નામની એલિયન પ્રજાતિ તેનો પીછો કરતાં-કરતાં છેક પૃથ્વી સુધી પહોંચી જાય છે. પરંતુ શું ખરેખર વિયર્સ એલિયન છે કે પછી હાડ-માંસથી બનેલી સ્ત્રી? પૃથ્વી ગ્રહ સાથે એનો શું સંબંધ છે? શા માટે એને સૌ ‘કેરલ ડેનવર્સ’નાં નામથી સંબોધી રહ્યા છે? તેની કેપ્ટન માર્વેલ બનવા સુધીની સફર જાણવા માટે થિયેટર સુધી હડી કાઢવી પડશે હોં!
હોટેલનો એક રૂમ. આવવા-જવા માટે ફક્ત એક દરવાજો અને બારીઓ બધી જડબેસલાક બંધ! ભૂતકાળમાં પ્રેમી રહી ચૂકેલા અર્જુન (ટોની લ્યુક) અને નૈના સેઠી (તાપસી પન્નુ) કોઇ અજ્ઞાત કારણોસર ત્યાં મળે છે. નૈના પર હુમલો થાય છે, તેની બેભાન અવસ્થામાં અર્જુનનું ખૂન થઈ જાય છે. સ્વાભાવિક રીતે, પોલીસને સીધી શંકા નૈના પર જ જાય. સફળ બિઝનેસ-વુમન નૈના સેઠીનો લીગલ કાઉન્સેલર જિમ્મી (માનવ કૌલ) પોતાની ક્લાયન્ટ/બેસ્ટ ફ્રેન્ડ માટે બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન)ને અપોઇન્ટ કરે છે. ચાલીસ વર્ષોમાં એ માણસ એકેય કેસ નથી હાર્યો! રાની કૌર (અમૃતા સિંઘ)ની વાતનાં તાણાવાણા નૈના સેઠી સાથે જોડાયેલા છે. નૈના દ્વારા કહેવામાં આવેલી કેસ-ડિટેઇલ્સમાં કેટલી સચ્ચાઈ છે? અસલી ખૂની કોણ? વાસ્તવિક ઘટના શું હતી? સૌથી મહત્વનો પ્રશ્ન… ફિલ્મનો ખલનાયક કોણ?
થ્રિલર ફિલ્મોમાં મુખ્ય તત્વ હોય છે : બેકગ્રાઉન્ડ સ્કોર! સ્ક્રીન પર બની રહેલી પ્રત્યેક ઘટના સાથે દર્શકને જોડી રાખવા માટે એ મુતાબિકનું મ્યુઝિક કાને પડે એ જરૂરી છે. ક્લિન્ટન સેરેજોએ બેકગ્રાઉન્ડ સ્કોર મ્યુઝિયન તરીકેની એ ભૂમિકા બખૂબી નિભાવી છે. સિનેમેટોગ્રાફર અવિક મુખોપાધ્યાયનાં કેમેરા પર સસ્પેન્સ એલિમેન્ટ આબાદ રીતે ઝીલાયું છે. તાપસી-અમિતાભની જોડીએ ‘પિંક’માં જે કમાલ દેખાડી હતી તેનાથી ક્યાંય વધુ ગણી મજા ‘બદલા’માં આવી. અચાનક એવું લાગવા માંડે કે કેસ તો સોલ્વ થઈ ગયો કે તુરંત સુજોય ઘોષનાં દિગ્દર્શનનો જાદુ આખી ઘટનાને વધુ ગુંચવી નાંખે! તાપસીની બ્યુટી અને અમિતાભનો ચાર્મ ઓનસ્ક્રીન જબરદસ્ત રીતે ઝીલાયો છે, સાહેબ. થેન્ક ગોડ, ગૌરી ખાન અને શાહરૂખ ખાનનાં ‘રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ’ને આવી અફલાતુન ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો વિચાર આવ્યો! (શાહરૂખ હવે ફક્ત પ્રોડ્યુસર બની રહે એમાં ઇજ્જત સચવાઈ રહેવાની શક્યતા છે!) ૨૦૧૯ની સર્વશ્રેષ્ઠ બોલિવૂડ ફિલ્મોમાંની આ એક! હાલ્યો લ્યો, કેપ્ટન માર્વેલ અને બદલામાંથી એકેય ફિલ્મ ચૂકવા જેવી નથી. સિનેમાદેવનાં ઝાઝા ઘડી ખમ્મા!