ભારતએ કૃષિપ્રધાન દેશ છે. આપણા દેશના પાયામાં ખેતી અને ખેડૂતો છે, ગાય અને ગામડું છે એમ ભારત ઋષિપ્રધાન દેશ પણ છે. આપણા પાયામાં સનાતન ધર્મનું સત્ય, એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સમષ્ટિ પ્રત્યેની કરૂણા રહેલી છે. આપણાં દેશમાં ઘણા બધા તહેવારો આવે છે પણ એ બધામાં સૌથી અનોખો તહેવાર એટલે ગુરુ પૂર્ણિમા.
આપણે જેની શરણાગતિ સ્વીકારી છે એની વંદના કરવાનો સોનેરી અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુપૂર્ણિમા એ અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
ગુરુ એટલે આપણી ખામીઓને ખૂબીમાં ફેરવી નાખે એ વ્યક્તિ. ગુરુ એટલે આપણને કોઈ પણ વસ્તુ પ્રત્યે જોવાની એક નવી દ્રષ્ટિ આપનાર વ્યક્તિ,ગુરુ આપણને સત્યની ઓળખ કરાવે છે. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી ગુરુ તો એક ઝળહળતું પ્રકાશનું પુંજ છે જે પોતે પ્રજ્વલિત છે અને આપણને પણ અજવાળે છે માટે જ કબીર સાહેબ એ લખ્યું છે ને કે,
” गुरु और पारस में बड़ो अन्तरो जान,
एक लोहा कंचन करे एक करे आप समान । ”
પારસ પથ્થર અને ગુરુમાં ફેર છે. પારસ લોખંડને સોનુ બનાવે છે પણ પોતાની જેવો પારસ નથી બનાવી શકતો જ્યારે ગુરુ શિષ્યને પોતાના જેવો કે પોતાનાથી પણ વિશેષ જ્ઞાની બનાવે છે.
વિશ્વમાં ગુરુ મહિમા વર્ણવી શકે એવો કદાચ કોઈ વ્યક્તિ ન મળે કારણ કે ગુરુ એ શિષ્યને હેતુ વગરનું હેત કરે છે. સ્વાર્થ વગરનું સગપણ એટલે ગુરુ-શિષ્યનું સગપણ.
જે વ્યક્તિ પર ગુરુકૃપા વરસી છે એને પછી બીજી કોઈ ચિંતા નથી કરવાની હોતી,એને બધું જ સહજતાથી મળી જતું હોય છે. ગુરુકૃપા પામેલ વ્યક્તિના આધિ દૈવિક,આધિ ભૌતિક અને આધ્યાત્મિક એમ ત્રણેય તાપનો નાશ થાય છે અને એના જાહેર જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં એક અલગ જ સહજતા અને સુંદરતા જોવા મળે છે.
ઘણા લોકો હજી સુધારાના બહાના હેઠળ શંકા કરતા હોય છે પણ ગુરુકૃપા અને ગુરુશ્રદ્ધા એ તો અનુભવની વાત છે. બુદ્ધિ જ્યારે થાકી જાય છે ત્યારે અંતરની અનુભૂતિ જ શાંતિ આપે છે. ચિંતા અને ચિંતન આપણને આખી રાતનો ઉજાગરો આપે છે જ્યારે શ્રદ્ધા આપણને આખી રાતની સુખદ ઊંઘ આપે છે.
આજે યુગવાણી કોલમની શરૂઆતમાં મારે વાત કરવી છે ગુરુ વિષય પર અને એમાંય એક બહુચર્ચિત હિન્દી ગીત જે મને ગુરુ કૃપાથી સમજાયું છે એ રીતે આ યુગવાણીમાં આપ સૌની સમક્ષ રજુ કરવા માગું છું. એ ગીત નહિ પણ નજમ છે ફના બુલંદ શહેરીની કલમે લખાયેલી અને નુસરતફતેહઅલી ખાન સાહેબના સ્વરમાં ગવાયેલી નજમ એટલે
मेरे रश्क़-ए- कमर….
હા, તો યુગવાણીમાં વાંચો
मेरे रश्क़-ए- कमर…. એક નવી નજરે…
मेरे रश्के-कमर , तूने पहली नजर, जब नजर से मिलायी मज़ा आ गया,
बर्क़ सी गिर गयी , काम ही कर गयी, आग ऐसी लगायी मज़ा आ गया ||
ઉર્દુમાં रश्क़-ए- कमर શબ્દનો અર્થ થાય છે એવી વ્યક્તિ કે જે ચાંદ કરતા પણ વધારે સુંદર હોય અને આધ્યાત્મિક જગતમાં ગુરુ ચાંદ કરતા પણ વધુ સુંદર હોય છે. ચાંદમાં દાગ હોય છે જ્યારે ગુરુમાં ક્રોધ, અહમ, ઈર્ષ્યારૂપી દાગ નથી હોતા અને માટે જ એવા વ્યક્તિ જ ગુરુપદને લાયક છે. વળી ચંદ્રને પોતાનો પ્રકાશ નથી જ્યારે બુદ્ધપુરુષ તો પોતાના ભીતરના અજવાળાથી ઝળહળતા હોય છે.
અને આવા જ કોઈ બુદ્ધપુરુષ સાથે જ્યારે આપણી આંખો ચાર થાય છે ત્યારે આપણે એક અલગ vibrationનો અનુભવ કરીએ છીએ અને માટે એમ લખાયું છે કે,
” जब नजर से मिलाई मजा आ गया..”
બીજી લાઈન,
बर्क़ सी गिर गयी..(વીજળી પડી)
ઉર્દુમાં बर्क શબ્દનો અર્થ થાય છે વીજળી. સદગુરૂની નજર વીજળી જેવી છે. એ. નજર જ્યારે સાધક પર પડે પછી સાધકના મનમાં પરમેશ્વરને પામવાની આગ લગાવી દે,અભૌતિક આનંદની અનુભુતી કરવાની ઈચ્છાને જગાડે છે. એટલે
बर्क़ सी गिर गयी , काम ही कर गयी, आग ऐसी लगायी मज़ा आ गया ||
વધુ આવતા શુક્રવારે….
Columnist
યુગ અગ્રાવત