નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે દરેક ઘરમાં સ્વચ્છ રાંધણ ગેસ કનેકશન ઉપલબ્ધ કરાવી દેવાની યોજના હેઠળ સાત કરોડ મફત એલપીજી કનેક્શન જારી કર્યા છે. આની સાથે જ કુલ આઠ કરોડ મફત ગેસ કનેક્શન આપવાની યોજના હેઠળ હજુ સુધી ૮૭ ટકા લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળતા મળી ગઇ છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સાત કરોડ મફત ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા ૩૪ મહિનાના ગાળામાં જ સાત કરોડ ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. એટલે કે દરરોજ આશરે ૬૯૦૦૦ કનેશન આપી દેવામાં આવ્યા છે.
જે સરકારની કામની ગતિને દર્શાવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત પહેલી મે ૨૦૧૬ના દિવસે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ માર્ચ ૨૦૧૯ સુધી ગરીબ પરિવારની પાંચ કરોડ મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. મોડેથી લક્ષ્યાંકને વધારી દઇને આઠ કરોડ સુધી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧ સુધી આઠ કરોડની યોજના રાખવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સાત કરોડ ગેસ કનેક્શન આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે સ્વચ્છ ગેસ પુરવઠો તમામને ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
મોદીની આ મહત્વકાંક્ષી યોજના તરીકે આને ગણવામાં આવે છે. આંકડા પર નજર કરવામાં આવે તો હજુ સુધી ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે લાભાર્થી રહેલા છે. ઉત્તરપ્રદેશમાં હજુ સુધીમાં ૧.૨૬ કરોડ ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં ૭૮ લાખ ગેસ કનેકશન આપી દેવામાં આવ્યા છે. બિહારમાં પણ આ સંખ્યા ખુબ મોટી રહેલી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે દેશમાં કુલ ૯૩ ટકા વસ્તી સુધી એલપીજી ગેસ કનેક્શન પહોંચી ગયા છે. જ્યારે મે ૨૦૧૪માં આ આંકડો ખુબ ઓછો હતો. એ વખતે માત્ર ૫૫ ટકા લોકોની પાસે જ ગેસ કનેક્શન હતા. પ્રધાને કહ્યુ હતુ કે ગ્રામીણ ક્ષેત્રમાં એનપીજી પુરવઠો વધુ યોગ્ય બનાવી દેવા માટે ૬૮૦૦ નવા વિતરકો નિમાયા છે.