અમદાવાદ: ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ એસોસીએશનની ટ્રાયન્નીયલ જનરલ બોડીની બહુ મહત્વની બેઠક તા.૯મી અને ૧૦મી માર્ચના રોજ અમદાવાદમાં યોજાવા જઇ રહી છે, જેમાં ઓલ ઇન્ડિયા એસબીઆઇ સ્ટાફ ફેડરેશનના નવા હોદ્દેદારોની ચૂંટણી, બેંકોની સ્થિતિ, કર્મચારીઓના વેજ રિવીઝન, પેન્શન અપગ્રેડેશન, મેસેન્જર ભરતી સહિતના અનેક મુદ્દાઓ પર મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે. એટલું જ નહી, ફેડરેશન દ્વારા મહત્વના મુદ્દાઓને લઇ જરૂરી ઠરાવો પણ પસાર કરવામાં આવશે અને બાદમાં કેન્દ્ર સરકાર સુધી સમગ્ર રજૂઆતચ પહોંચાડવામાં આવશે. આવતીકાલથી બે દિવસ માટે યોજાઇ રહેલી જનરલ બોડીની બેઠકને લઇ ઓલ ઇન્ડિયા એસબીઆઇ સ્ટાફ ફેડરેશનના પદાધિકારીઓએ આજે દેશમાં બેંકોની સ્થિતિ, રાષ્ટ્રીયકૃત બેંકોના થઇ રહેલા મર્જર અને બેંકોમાં એનપીએ સહિતના મુદ્દાઓને લઇ ગંભીર ચિંતા વ્યકત કરી હતી.
ફેડરેશનના પ્રમુખ વીવીએસઆર શર્મા અને જનરલ સેક્રેટરી સંજીવ કે.બંદલીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકોના થઇ રહેલા મર્જર અને કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની અપનાવાયેલી નીતિને લઇ ફેડરેશનનો સખત વિરોધ છે. કારણ કે, બેંકોના મર્જરથી દેશમાં ઓછામાં ઓછી ૨૫થી ૩૦ હજાર શાખાઓ બંધ થઇ જવાની દહેશત પ્રવર્તી રહી છે. એટલું જ નહી, જે પ્રકારે દેશની વિવિધ બેંકોમાં વીલફુલ ડિફોલ્ટરોના એનપીએ(નોન પરફોર્મીંગ એસેટ્સ)નો આંક વધી રહ્યો છે તે પણ ગંભીર અને ચિંતાજનક છે. આજે દેશમાં વિવિધ બેંકોમાં મળી કુલ એનપીએ દસ લાખ કરોડનું છે, જેમાં ૮૫ ટકા એનપીએ એટલે કે, સાડા આઠ લાખ કરોડ એનપીએ માત્ર ૮૯ ખાતાઓનું છે. આ અંગે માહિતી આપવા માટે સીઓએમ અર્જુન ભાગોલીવાલ- સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ- એઆઈએસબીઆઈએસએફ, સીઓએમ કે.એલ. શિયાની- પ્રેસિડેન્ટ, સીઓએમ સંજીવ કે. બંદલીશ- જનરલ સેક્રેટરી, સીઓએમ અજય એન બદાણી- સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – એઆઈએસબીઆઈએસએફ તથા સીઓએમ સિધ્ધાર્થ ખાન- સિનિયર પ્રેસિડેન્ટ- એઆઈએસબીઆઈએસએફ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુલ એનપીએમાંથી માત્ર ૧૩ ખાતાઓનું જ એનપીએ અઢી લાખ કરોડથી પણ વધુનું થવા જાય છે. આ સંજોગોમાં બેંકોમાં જે પ્રકારે એનપીએ વધી રહ્યું છે તે જોતાં બેંક આર્થિક તરલતા જળવાઇ રહે તે માટે વીલફુલ ડિફોલ્ટરો સામે ક્રિમીનલ ઓફેન્સ જાહેર કરવા અને આવા ડિફોલ્ટરોના નામ અને યાદી જાહેર કરવા અમારી કેન્દ્ર સરકાર સમક્ષ ઉગ્ર માંગણી છે. ફેડરેશનના પ્રમુખ વીવીએસઆર શર્મા અને જનરલ સેક્રેટરી સંજીવ કે.બંદલીશે વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે બેંકોમાં એનપીએ વધતુ અટકાવવા અને આવા વીલફુલ ડિફોલ્ટરો સામે આકરા પગલાં ભરવાની જરૂર છે. રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જરની કેન્દ્રની નીતિ અયોગ્ય અને બિનવ્યવહારૂ છે. કારણ કે, તેનાથી દેશનું ખાસ કરીને ગ્રામીણ વિસ્તારનું આર્થિક માળખું પડી ભાંગશે. દેશના છ લાખ ગામડાઓમાં હજુ સુધી માત્ર દોઢ લાખ ગામડામાં જ વિવિધ બેંકોની શાખાઓ પહોંચી શકી છે, હજુ પણ દેશના સાડા ચાર લાખ ગામડાઓમાં એક પણ બ્રાંચ નથી, તે કરૂણ વાસ્તવિકતા છે. આ સંજોગોમાં મર્જરની નીતિના કારણે ગ્રામીણ બેકીંગ નેટવર્ક અને આર્થિક સેવાનું માળખું પડી ભાંગશે. તા.૯ અને ૧૦ માર્ચ દરમ્યાન અમદાવાદમાં યોજાઇ રહેલી ફેડરેશનની ટ્રાયન્નીયલ જનરલ બોડીની મીટીંગમાં ઉપરોકત તમામ મુદ્દે મહત્વના ઠરાવો પસાર કરાશે. સાથે સાથે ફેડરેશનના હોદ્દેદારોની ત્રણ વર્ષની ટર્મ માટે ચૂંટણી કરવામાં આવશે. ઉપરાંત, આગામી સમયમાં ઉપરોકત મુદ્દાઓ અને કર્મચારીઓની માંગણીઓ તથા પ્રશ્નોને લઇ શું રણનીતિ ઘડવી તેની રૂપરેખા નક્કી કરવામાં આવશે. બે દિવસની આ બેઠકમાં દેશભરમાંથી એસબીઆઇના વિવિધ રાજયો અને સર્કલમાંથી પાંચ હજારથી વધુ ડેલીગેટ્સ ભાગ લેશે એમ ફેડરેશનની રિસેપ્શન કમીટીના ચેરમેન અજય એન.બદાણીએ અંતમાં ઉમેર્યું હતું. ફેડરેશન દ્વારા જે ઠરાવો પસા કરાશે તે નેશનલ કન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઇઝ અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સને પણ મોકલાશે અને તેના થકી કેન્દ્ર સરકાર પર દબાણ ઉભુ કરાશે.