હકીકતમાં કિમને આ બાબતને લઇને ભ્રમ હતો કે અમેરિકાને ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગ યાંગની નજીક સુરંગમાં સુરક્ષિત રાખવામાં આવેલા તેના પરમાણુ હથિયારોને લઇને કોઇ માહિતી નથી. જો કે આજના આધુનિક સમયમાં આ પ્રકારથી કોઇ ગુપ્ત હથિયારોને રાખવાની બાબત શક્ય નથી. અમેરિકાને કોરિયાના પરમાણુ હથિયારો અંગે માહિતી નથી તે બાબત કઇ રીતે શક્ય બની શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગેની માહિતી ન હતી પરંતુ તેમના વિદેશ પ્રધાન તરીકે રહેલા માઇક પોમ્પિયોને તમામ પ્રકારની માહિતી હતી. પોમ્પિયો સીઆઇએના નિર્દેશક તરીકે વિતેલા વર્ષોમાં રહી ચુક્યા છે. આ હોદ્દા પર પોમ્પિયો હતા ત્યારે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારો અંગે પુરતી માહિતી એકત્રિત કરી લેવામાં આવી હતી.
તેમના દ્વારા ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગ નજીક બનાવવામાં આવેલી સુરંગમાં સુરક્ષિત રાખવામાં આવેલા પરમાણુ હથિયારોની પણ પુરતી માહિતી હતી. જેથી કિંમના જુઠ્ઠાણાનો પર્દાફાશ થઇ ગયો હતો. ઉત્તર કોરિયાની પાસે આજે પણ મોટા પ્રમાણમાં ઘાતક હથિયારો રહેલા છે. કિમને એક ખતરનાક લીડર તરીકે ગણવામાં આવે છે. તેમના આક્રમક વલણના કારણે જ ઉત્તર કોરિયામાં વિતેલા વર્ષોમાં અનેક વખત પરમાણુ પરીક્ષણ કર્યા છે. જેના કારણે વિશ્વના દેશો ચિંતાતુર રહેલા છે. ઉપરાંત ઉત્તર કોરિયા અમેરિકા માટે પણ એક મોટા માથાના દુખાવા સમાન છે. શાંતિપૂર્ણ દિશામાં આગળ ન વધવા પાછળના કારણ અન્ય પણ છે. કોરિયા અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપિત થાય તે માટે અન્ય કોઇ દેશ મેદાનામં આવ્યા નથી.
જો દુનિયાના દેશોનુ દબાણ રહ્યુ હોત તો અમેરિકા અને ઉત્તર કોરિયાને પણ પ્રથમ શિખર બેઠક દરમિયાન કરવામાં આવેલા વચનોને પાળવા માટે ફરજ પડી હોત. જો આવુ રહ્યુ હોત તો સિંગાપોરની જેમ જ હનોઇ શિખર બેઠક પણ સફળ સાબિત થઇ હોત. વિશ્વના દેશો શાંતિ સ્થાપિત કરવા માટે ખુલ્લીને સામે આવ્યા ન હતા. કોરિયા અને અમેરિકા વચ્ચે કોઇ પરિણામ વગર વાતચીત નિષ્ફળ રહ્યા બાદ આ અંગેની સાબિતી મળી જાય છે કે વિશ્વના મોટા ભાગના દેશો પોત પોતાના સ્વાર્થ અને પોતાના હિતોને ધ્યાનમાં લઇને વૈશ્વિક સ્તર પર આગળ આવવા માટે તૈયાર નથી. કારણ કોઇ પણ હોય વાતચીતનો સિલસિલો હાલમાં જારી રહે તે જરૂરી છે. આના કારણે આત્મવિશ્વાસ અને અન્ય બાબતો માટે રસ્તો સરળ બની જશે. આશા છે કે મંત્રણા ટેબલ પર ટ્રમ્પ અને કિમ ટુંક સમયમાં જ ફરી સામ સામે બેસી જશે અને વિવાદનો ઉકેલ આવી શકશે. વિશ્વના દેશો આવી અપેક્ષા રાખે છે.