અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે મેટ્રો ટ્રેન સામાન્ય લોકો માટે શરૂ થઇ જશે. સવારે ૧૦ વાગ્યાથી લઇને સાંજે ચાર વાગ્યા સુધી આને હાલમાં દોડાવવામાં આવશે. લોકો એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામના રુટ ઉપર ૬.૫ કિલોમીટરના પટ્ટા પર યાત્રા કરી શકશે. કોઇપણ સ્ટોપ વગર આ ટ્રેન ૬.૫ કિલોમીટર સુધી દોડશે. ૧૬મી માર્ચ સુધી કોઇપણ સ્ટોપ વગર તેને દોડાવવામાં આવશે. ૩ કોચની આ ટ્રેનમાં ૩૦૦ યાત્રીઓ મુસાફરી કરી શકશે. ૧૬મી માર્ચથી બે ટ્રેનો શરૂ કરી દેવામાં આવશે અને આ ટ્રેનમાં ફુલ રનની શરૂઆત થશે. જાન્યુઆરી ૨૦૨૦ સુધી તેને કાળુપુર રેલવે સ્ટેશન સુધી જોડી દેવામાં આવશે. એપીએમસીથી જીવરાજ પાર્ક સુધીના બીજા પટ્ટા પર કામકાજ આ વર્ષના અંત સુધી શરૂ કરવામાં આવશે. ૨.૫ કિલોમીટર પર ભાડુ પાંચ રૂપિયા અને આગળના ૨.૫થી ૭.૫ કિમી સુધી ભાડુ ૧૦ રૂપિયા રહેશે.
વસ્ત્રાલગામથી ૨૧ કિલોમીટર સુધી ભાડુ ૨૫ રૂપિયા રહેશે. લઘુત્તમ ભાડુ બીઆરટીએસ રુટ પર ચાર રૂપિયા છે. વસ્ત્રાલગામથી એપરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનની શરૂઆત ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આવતીકાલે લોકો માટે સેવા શરૂ થશે. ૧૫મી માર્ચ સુધી આ ટ્રેન વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્ક વચ્ચે દોડશે. બીજા તબક્કા માટે આધારશીલા મુકી દેવામાં આવી છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ આ ટ્રેનમાં મુસાફરી કરી ચુક્યા છે. આના કારણે સામાન્ય લોકોની તકલીફ ઓછી થશે અને લોકો પરિવહનના વધુ એક વિકલ્પ તરીકે આની શરૂઆત કરી શકશે. મોદીએ ગઇકાલે મુસાફરી કર્યા બાદ કહ્યું હતું કે, તેમના માટે આ ગર્વની બાબત છે.