નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી જારી છે ત્યારે પાકિસ્તાને એક પછી એક નાપાક હરકતો કરવાના સિલસિલાને જારી રાખ્યો છે. તેના જુઠ્ઠાણા યથાવતરીતે જારી છે. તંગદિલી વચ્ચે આજે પાકિસ્તાની નૌકા સેનાએ દાવો કર્યો હતો કે, તેના દ્વારા દેશના દરિયાઈ ક્ષેત્રમાં ઘુસવાના ભારતીય સબમરીનના એક પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. પાકિસ્તાનની નૌકા સેનાએ મિડિયાની સાથે એક ફુટેજ પણ વહેંચીને આ અંગેની વાત કરી છે. પાકિસ્તાન તરફથી જારી કરવામાં આવેલા આ વિડિયોમાં કોઇ દમ દેખાતો નથી પરંતુ પાકિસ્તાને જુઠ્ઠાણા ફેલાવવાનો દોર જારી રાખ્યો છે.
ભારતના સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, દરિયાઈ ક્ષેત્રના ભંગ અને હુમલો નહીં કરવાના દાવામાં કોઇ વાસ્તવિકતા નથી. આ પાકિસ્તાનના અધિકાર ક્ષેત્રની બહાર છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, પાકિસ્તાન જે જગ્યાના વિડિયો જારી કરીને ભારતીય સબમરીનના દરિયાઈ ક્ષેત્રમાં ઘુસવાના દાવા કરે છે તે બિલકુલ ભ્રામક છે. જે ક્ષેત્રને પાકિસ્તાન પોતાની દરિયાઇ હદ ગણાવે છે તે આંતરરાષ્ટ્રીય સરહદ હેઠળ આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદી ક્ષેત્ર હોવાના કારણે પાકિસ્તાનને ભારતીય સબમરીનને પકડી પાડવા અને તેને છોડવાના કોઇ અધિકાર નથી.
ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ ફુટેજ ચોથી માર્ચના દિવસે રાત્રે ૮.૩૫ વાગ્યાના છે. આ સંબંધમાં એક પ્રવક્તાએ નિવેદન કરતા કહ્યું છે કે, પાકિસ્તાની નૌકા સેનાએ સબમરીનનો પીછો કરવા માટે ખાસ કુશળતા દર્શાવી હતી અને પાકિસ્તાનના જળ ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી રોકવામાં સફળતા મેળવી હતી. શાંતિની નીતિના ભાગરુપે ભારતીય સબમરીન ઉપર કોઇ હુમલો કરવામાં આવ્યો ન હતો. ભારતને આ ઘટનાની નોંધ લેવી જાઇએ. બીજી બાજુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદનો વારંવાર ભંગ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મરના પુલવામામાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય હવાઈ દળે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનની અંદર ઘુસી જઈને બાલાકોટમાં જૈશના અડ્ડાઓ ઉપર હવાઈ હુમલા કર્યા હતા.
આના આગલા દિવસે પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી કરવાના પ્રયાસ કર્યા હતા જેમાં તેના એક એફ-૧૬ને તોડી પાડવામાં ભારતને સફળતા મળી હતી. ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને હવાઈ સંઘર્ષ દરમિયાન પકડી પાડવામાં આવ્યો હતો. જા કે, ભારતના દબાણ બાદ ૬૦ કલાકની અંદર પાકિસ્તાને છોડી દેવાની ફરજ પડી હતી. પાકિસ્તાન દ્વારા ત્યારબાદ અંકુશરેખા ઉપર અવિરતપણે ગોળીબાર કરાઇ રહ્યો છે. પાકિસ્તાન તરફથી ૬૦ વખતથી આસપાસ યુદ્ધવિરામનો ભંગ કરી ગોળીબાર કરાયો છે.