અમદાવાદ : ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ સર્જાયેલી સ્થિતિમાં કોઇ આતંકી હુમલો ના થાય તે માટે સેન્ટ્રલ આઇબીએ ગુજરાત સહિત પાંચ રાજ્યમાં હાઇ એલર્ટ આપ્યું છે તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદના કેટલાક પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવ્યા છે ત્યારે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ શહેરમાં લોખંડી સુરક્ષા ગોઠવી દીધી છે. શહેર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ અને એટીએસએ પાંચ હજાર કરતાં વધુ બંધ મકાન અને અવાવરું મકાનોમાં કોઇ શંકાસ્પદ હિલચાલ છે કે નહીં તે મામલે પણ સઘન ચેકિંગ શરૂ કર્યું છે. આંતકી તત્વો સુરક્ષા એજન્સીઓના શંકાના પરિઘમાં હોઇ બાજનજર રખાઇ રહી છે.
આતંકી હુમલાને લઇ દેશમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં ર૬/૭ જેવા હુમલાનું પુનરાવર્તન થાય નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. રાજ્યની તમામ બોર્ડર પર પેરામિલિટરી ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે ત્યારે સુરક્ષા એજન્સીઓ જેવી કે એટીએસ, ક્રાઇમ બ્રાંચ, આઇબી તેમજ સેન્ટ્રલ એજન્સીઓએ પણ શંકમદ અને આતંકવાદી સંગઠનોને મદદ કરતા તત્વો પર ચાંપતી નજર ગોઠવી છે. શહેર ફરતે આવેલા લાંભા, નારોલ, વટવા, ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, નવા નરોડા, તેમજ સરખેજ, બોપલ, વૈષ્ણોદેવી સર્કલ, ભાડજ, અસલાલી જેવા વિસ્તારમાં હજારો ફ્લેટ ખાલી પડ્યા છે ત્યારે સંખ્યાબંધ ફ્લેટ તેમજ બંગલાની સ્કીમો બની રહી છે. પૂર્વ વિસ્તારમાં આવેલાં રર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સ્ટાફ તેમજ ત્રણ ઝોનના ડીસીપી અને તેમની સ્ક્વોર્ડ અને ૬ ડિવિઝનના એસીપી અને તેમની સ્ક્વોર્ડે અવાવરું જગ્યા, બંધ ફ્લેટ-મકાનમાં સઘન તપાસ શરૂ કરી છે. અંદાજિત પાંચ હજાર કરતાં વધુ મકાન અને ફ્લેટમાં પોલીસે ગુપ્ત રાહે તપાસ શરૂ કરી છે.
હાલમાં પૂર્વ વિસ્તારમાં બંધ પડેલા ફ્લેટનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પોલીસે મોટા ભાગની જગ્યા પર જઇને સ્થળ તપાસ કરી છે. આ સિવાય ભાડા કરાર વગર કોણ રહે છે તેની તમામ વિગતો પણ મંગાવી છે. પોલીસે જે ભાડુઆતે ભાડા કરાર કર્યા હોય તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે તો બીજી તરફ પૂર્વ વિસ્તારમાં આવેલાં અવાવરું મકાન, ગરીબ આવાસ યોજનાનાં બંધ પડેલાં મકાન, અવાવરું જગ્યા ઉપર પણ વોચ ગોઠવી દીધી છે. જાહેર જગ્યો જેવી કે રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ વગેરે જગ્યાઓ પર અવારનવાર આંટાફેરા કરતા શંકમદ ઉપર પણ વોચ રાખી છે. પૂર્વ વિસ્તારમાં આવેલ ઓઢવ, સિંગરવા, નિકોલ, નારોલ, વટવા જેવા વિસ્તારમાં હજારોની સંખ્યામાં ફ્લટ બન્યા છે, જેમાં મોટા ભાગના ફ્લેટો બંધ છે ત્યારે આવી સ્થિતિમાં કોઇ શંકમદ ફ્લેટમાં ભાડુઆત તરીકે રહેવા માટે આવી ગયા છે કે નહીં તેની પણ ખાતરી પોલીસ કરી રહી છે. આ મામલે સેક્ટર-રના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ એમ. એસ. ભરાડાએ જણાવ્યું છે કે, પૂર્વ વિસ્તારમાં બધ પડેલાં મકાન તેમજ ફ્લેટ અને અવાવરું મકાનમાં કોઇ શંકાસ્પદ વ્યકિત રહે છે કે નહીં તેના પર પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ ભાંગફોડિયા ત¥વો પર પોલીસે વોચ રાખી છે. સિવિલ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલો અને એરપોર્ટની સુરક્ષા ઉપર પણ પોલીસની નજર છે.
તો બીજી તરફ કોતરપુર વોટરવર્ક્સ પાસે એરપોર્ટનો રન-વે આવેલો છે, જેમાં કોઇ પણ વ્યકિત એરપોર્ટના રન-વેમાં ઘૂસી ના જાય તે માટે ૧પ ફૂટની દીવાલ બનાવેલી છે અને તેના ઉપર ત્રણ ફૂટના લેયરથી કરંટ પસાર થતા તાર લગાવવામાં આવ્યા છે ત્યારે દરેક રન-વે પર ત્રણ ચોકી અને વોચ ટાવર મૂકવામાં આવ્યા. કોઇ પણ વ્યક્તિ દીવાલ કૂદીને એરપોર્ટમાં ઘૂસી ના જાય તે માટે પોલીસે તેના ફરતે આવેલાં મકાનમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. શાહીબાગ ડફનાળા પાસે આવેલા મિલિટરી કેમ્પની બહાર ક્રાઇમ બ્રાંચે ચાંપતો બંદોબસ્ત મૂકી દીધો છે.