શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. એક ઘરમાં છુપાયેલા ત્રાસવાદીઓ સાથે સોમવારના દિવસે અથડામણ થઇ હતી. જેમાં આજે સવારે બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે સુરક્ષા દળો દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીસના પ્રવકતાએ કહ્યુ છે કે ત્રાલ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે અથડામણ શરૂ થઇ હતી. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરાયો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા.
આ ઘટના બાદ સમગ્ર દેશમાં જોરદાર નારાજગી જોવા મળી રહી હતી. આ નારાજગીના દોર વચ્ચે ભારતીય હવાઈ દળે પુલવામા એટેકનો બદલો લેવા પાકિસ્તાન કબજે હેઠળના કાશ્મીરમાં ઘુસી જઈને ભીષણ હવાઈ હુમલા કર્યા હતા. ભારતે ૧૨ વિમાનો મારફતે એક સાથે આતંકવાદી કેમ્પો ઉપર હુમલા કર્યા હતા જેમાં પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશના અનેક આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.જમ્મુ કાશ્મીરના કુંપવારા જિલ્લાના હેન્ડવારામાં તે પહેલા રવિવારના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી.
છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી અથડામણમાં રવિવારે બે અન્ય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અલબત્ત આ અથડામણમાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલાઓમાં સીઆરપીએફના ત્રણ જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના બે જવાન હતા. આ અથડામણમાં સીઆરપીએફની ૯૨ની બટાલિયનના તૈનાત ઉત્તરપ્રદેશના મોદીનગરના વિનોદકુમાર શહીદ થયા છે. વિનોદકુમાર શુક્રવારના દિવસે ત્રાસવાદીઓના ગોળીબારમાં ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેઓ શહીદ થયા હતા. બીજી બાજુ શુક્રવારના દિવસે જ અથડામણમાં બિહારના બેગુસરાય જિલ્લાના પિન્ટુકુમાર સિંહ શહીદ થયા હતા. હેન્ડવારામાં અથડામણમાં પિન્ટુકુમારને ઇજા થઇ હતી. ત્યારબાદ તેમનું ઇજાના કારણે અવસાન થયું હતું.