અમદાવાદ : ગઇકાલે મહાશિવરાત્રિ હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર..હર…મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ શિવભકતોએ પવિત્ર જળ, દૂધ, બિલીપત્ર, ગુલાબ સહિતના પુષ્પ, કાળા તલ સહિત અન્ય ધનધાન્યથી શિવજીના અભિષેક માટે લાંબી લાઇનો લગાવી હતી. આજે શ્રવણ નક્ષત્ર અને સોમવતી મહાશિવરાત્રીનો અનોખો અને પવિત્ર સમન્વય થયો હોવાથી શિવભકતોએ મહાશિવરાત્રીની આજે ભારે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. અમદાવાદ સહિત રાજયભરના શિવાલયોમાં ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય મંત્રના પવિત્ર ઉચ્ચારણ સાથે ભોળાનાથના શિવલિંગને ભવ્ય અભિષેક કરવામાં આવ્યા હતા.
રાજયના સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ અને દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ ખાતે તો શ્રધ્ધાળુ ભકતો કિડિયારાની જેમ ઉભરાયા હતા અને મહાશિવરાત્રિના પર્વ નિમિતે ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવવા રીતસરની પડાપડી કરી હતી. મહાશિવરાત્રિના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવમંદિરોમાં શિવજીના અભિષેક-બિલીપત્રની પૂજા, આરતીના વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા. સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરમાં આજે મહાશિવરાત્રિને લઇ ભોળાનાથની વિશેષ પૂજા-આરતી અને મહામૃત્યુંજય યજ્ઞ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના પૌરાણિક ધોળેશ્વર મહાદેવ ખાતે ખાસ પૂજા-અર્ચના કરી હતી. તો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બોડકદેવ વિસ્તારમાં આવેલા ચમત્કારિક પારમેશ્વર મહાદેવ ખાતે વિશેષ પૂજા-અર્ચના કર્યા હતા. તો, શિવાલયોમાં અને તેની બહાર ભાંગનો પ્રસાદ લેવા ભકતોએ ભીડ લગાવી હતી.
સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર આ વર્ષે મહાશિવરાત્રિના પર્વને લઇ ખાસ કરીને ભકતોને ભોળાનાથના શાંતિથી દર્શન થઇ શકે તે હેતુથી અવિરતપણે ૪૨ કલાક ખુલ્લુ રાખવામાં આવ્યું હતું તો, સોમનાથ મંદિર અને સમગ્ર પરિસરને ઝળહળતી રોશની અને અનેક આકર્ષણોથી શણગારી નયનરમ્ય રીતે સુશોભિત કરાયું હતું. મહાશિવરાત્રિને લઇ આજે સોમનાથ દાદાને ભવ્યાતિભવ્ય પાઘડી સાથેનો શણગાર કરવામાં આવ્યો હતો, જે શ્રધ્ધાળુ ભકતોનું મન મોહી લેતો હતો. આજે વહેલી પરોઢે ચાર વાગ્યે સોમનાથ દાદાની ભવ્ય પૂજા-આરતી કરાઇ હતી, ત્યારબાદ સવારે ૬-૦૦ વાગ્યે મહાશિવરાત્રિને લઇ ખાસ મહાપૂજા, સવારે ૭-૦૦ વાગ્યે સોમનાથ મહાદેવની ભવ્ય આરતી, સવારે ૭-૩૦ વાગ્યે મહામૃત્યુંજય યજ્ઞ, સવારે ૮-૦૦ વાગ્યે મંદિરનો ધ્વજારોહણ, ૮-૩૦ વાગ્યે લઘુરૂદ્રના કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. ગઇકાલે મહાશિવરાત્રિ નિમિતે પરંપરા મુજબ, સવારે ૯-૦૦ વાગ્યે સોમનાથ દાદાની પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં એક યાત્રા મંદિર પરિસરમાં અને એક વેરાવળથી નીકળી હતી. બપોરે ૧૨-૦૦ વાગ્યે દાદાની મધ્યાહ્ન આરતી, સાંજે ૪થી ૮-૩૦ સુધી શૃંગારદર્શન, સાંજે ૭-૦૦ વાગ્યે સંધ્યા આરતી થઇ હતી. ત્યારબાદ મહાશિવરાત્રિને લઇ રાત્રે ૯-૩૦ વાગ્યે પ્રથમ પ્રહરની આરતી, ૧૨-૩૦ વાગ્યે દ્વિતીય પ્રહરની, રાત્રે ૩-૩૦ વાગ્યે તૃતીય પ્રહર અને વહેલી સવારે ૫-૩૦ વાગ્યે ચતુર્થ પ્રહરની આરતી કરવામાં આવી હતી.
દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ ખાતે પણ શિવભકતોનું ઘોડાપૂર ઉમટયુ હતુ, નાગેશ્વર મહાદેવની પણ આજે વિશેષ પૂજા-આરતી અને શણગાર કરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે આજના મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ શહેરના લોગાર્ડન વિસ્તારમાં આવેલા સમર્થેશ્વર મહાદેવ, સારંગપુરના પ્રાચીન કર્ણમુકતેશ્વર મહાદેવ, સોલારોડ પર આવેલા નીલકંઠ મહાદેવ, સેટેલાઇટના બિલેશ્વર મહાદેવ, રાયપુર વિસ્તારના ચકલેશ્વર મહાદેવ, રખિયાલના ચકુડિયા મહાદેવ, ઇશ્વરભુવન પાસેના ચંદ્રમૌલેશ્વર મહાદેવ, સેન્ટઝેવિયર્સ લોયલા-મેમનગર પાસેના કામનાથ મહાદેવ, નારણપુરા અંકુર ચાર રસ્તા પાસેના કામેશ્વર મહાદેવ, જાધપુર ટેકરા ખાતેના શિવાનંદ આશ્રમ સહિતના શિવમંદિરોમાં ભોળાનાથની પૂજા, આરતી અને અભિષેકના વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ પાસેના સુપ્રસિધ્ધ માર્કેન્ડેશ્વર મહાદેવ, ગાંધીનગર Âસ્થત કોટેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં પણ ભોળનાથની વિશેષ પૂજા-આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.
શહેર સહિત રાજયના તમામ શિવાલયોમાં લાખો શ્રધ્ધાળુ ભકતોએ પૂરા ભકિતભાવ અનએ શ્રધ્ધા સાથે યથાશકિત જળ-દૂધ, બિલીપત્ર, ગુલાબ સહિતના પુષ્પો, કાળા તલ સહિતના ધનધાન્યનો અભિષેક કર્યો હતો અને ભોળાનાથને રીઝવવાનો, પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડી રાત સુધી શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ શિવાલયોમાં જાવા મળી હતી. શિવભકતોએ મોડી રાત સુધી ભોળાનાથની પૂજા-ભકિત ચાલુ રાખ્યા હતા. શિવમંદિરોમાં આજે શ્રધ્ધાળુ ભકતો માટે ભાંગનો પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવભકતો સહિતના લાખો શ્રધ્ધાળુ ભકતોના ઓમ નમઃ શિવાય, હર..હર..મહાદેવ, જય ભોલે બાબાના ભકિતનાદથી રાજયભરના શિવાલયો આજે સતત ગુંજતા રહ્યા હતા. ભોળાનાથ એ દેવોના પણ દેવ છે એટલે તો એ દેવાધિદેવ કહેવાય છે. તેમનું નામ જ ભોળનાથ છે એટલે કે, સ્વભાવના ભોળા હોવાથી ભકતો પર જલ્દીથી પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિની સાચા દિલથી પૂજા ભકિત કરનારની ભોળાનાથ અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે અને તેથી જ આજના મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શ્રધ્ધાળુ ભકતો માટે ભોલેબાબા પાસેથી વરદાન માંગવાનો સોનેરી અવસર બની રહ્યો હતો. દેવોના પણ દેવ હોવાછતાં મહાદેવ એટલા ભોળા દેવ છે કે તેઓ માત્ર બસ એક લોટા જળના અભિષેકથી પ્રસન્ન થઇ જાય છે…. ઓમ નમઃ શિવાય.