જમ્મુ : પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં અંકુશ રેખા ખાતે અગ્રીમ ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને આજે જોરદાર ગોળીબાર કર્યો હતો. સરહદ પર સતત ગોળીબારમાં બે દિવસ સુધી બ્રેક રહ્યા બાદ હવે ફરી ગોળીબાર કરવામાં આવ્યો છે. સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારમાં કોઇને ઇજા થઇ નથી. વહેલી પરોઢે ત્રણ વાગે ગોળીબારની શરૂઆત કરવામાં આવ્યા બાદ સવાર સુધી ગોળીબાર જારી રહ્યો હતો. સંરક્ષણ પ્રવકતાએ કહ્યુ હતુ કે મોર્ટાર શેલ અને નાના હથિયારો મારફતે પાકિસ્તાની સેનાએ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. પ્રવકતાએ કહ્યુ છે કે ભારતીય સેનાએ જારદાર જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના પક્ષને કોઇ નુકસાન થયુ નથી.
શનિવારના દિવસે રાજારી જિલ્લામાં નૌશેરા ખાતે સરહદ પારથી ગોળીબાર કરવામાં આવ્યા સિવાય શુક્રવારના દિવસે ગોળીબાર કરવામાં આવ્યો ન હતો. સરહદ પર ગોળીબારમાં ઘટાડો થતા સરહદે રહેતા લોકોને રાહત થઇ છે. ખાસ કરીને પુંચ અને રાજારી જિલ્લામાં રહેતા લોકોને સૌથી મોટી રાહત થઇ છે. પાકિસ્તાને છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ ૫૦ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. જેમાં ચાર નાગરિકોના મોત થયા છે.
જેમાં એક પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ તંગદીલી પ્રવર્તી રહી છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહીરૂપે ખેબરપખ્તુનખ્વા વિસ્તારમાં બાલાકોટ ખાતે જેશના ત્રાસવાદી કેમ્પ પર હુમલા કર્યા હતા. જેમાં સેંકડો ત્રાસવાદીઓના મોત થયા હતા. ત્યારબાદથી પાકિસ્તાને સરહદ પર ગોળીબાર જારી રાખ્યો હતો.તંગદીલી વચ્ચે ભારતીય સેનાના વડા બિપિન રાવતે જમ્મુ સ્થિત વ્હાઇટ નાઇટ કોર્પ્સની મુલાકાત લીધી હતી.