અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારી પૈકી કેટલાક કોઇને કોઇ કારણસર વિદેશ પ્રવાસે ઉપડી જાય છે. તેમાં પણ મંજૂર કરાવેલી રજા કરતાં વધુ રજા ભોગવવી કે પછી જે હેતુ માટે રજા મેળવી હોય તેના કરતા અલગ જ પ્રકારની પ્રવૃત્તિ વિદેશમાં કરવી કે પછી કેટલાક કિસ્સામાં તો રાજીનામું જ વિદેશથી તંત્રને મોકલાવી દેવું વગેરે બાબતો અવારનવાર પ્રકાશમાં આવતી રહી છે. આના કારણે તંત્રમાં શિસ્ત જળવાતી ન હોઇ અન્ય સ્ટાફ પણ ગેરવર્તન કરવા પ્રેરાઇ રહ્યો હોઇ આ મામલે સત્તાવાળાઓએ મ્યુનિસિપલ કર્મચારીઓ-અધિકારીઓને વિદેશ જવા માટેના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. તંત્રના આ આકરા વલણને લઇ મ્યુનિસિપલ અધિકારીવર્ગમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
અમ્યુકો તંત્રના વિભિન્ન ખાતામાં વર્ગ એકથી વર્ગ ચારમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારી દ્વારા વખતોવખત વિદેશ જવા માટે રજા મંજૂર કરવાની અરજી કરાય છે. જે માટે છેક ૧૪ વર્ષ જૂના નિયમના આધારે જે તે સ્ટાફના ખાતાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કમિશનર સમક્ષ મંજૂરી અર્થે ફાઇલ મુકાય છે. જો કે હવેથી નિયમો બદલાયા છે. વિદેશ પ્રવાસ જવા માટે આતુર થયેલા મ્યુનિસિપલ સ્ટાફે ચાર મહિનાના સમયગાળા માટે જે તે ખાતાના વડા દ્વારા જે તે ખાતાના ડેપ્યુટી કમિશનરની મંજૂરી લેવાની રહેશે પરંતુ ચાર મહિના કે તેથી વધુના સમયગાળા માટે જે તે ખાતાના ડેપ્યુટી કમિશનરે પહેલા વહીવટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનરની મંજૂરી મેળવવી પડશે અને વહીવટી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મારફતે કમિશનરની મંજૂરી મેળવવી પડશે. આની સાથે સાથે સ્ટાફ દ્વારા હક રજાનાં ફોર્મ સાથે વિદેશી પ્રવાસનો સમયગાળો, વિદેશી પ્રવાસ દરમ્યાન મુલાકાત લેનાર દેશના નામ, પ્રવાસનો હેતુ, રહેવા-જમવા, ટ્રાવેલિંગ, વિઝા વગેરેનો અંદાજિત ખર્ચ ભંડોળ માટેના સ્ત્રોત તેમજ સર્વિસ બુકના આધારે હક રજા અને મેડિકલ રજાનું બેલેન્સ વગેરે માહિતી તંત્રને આપવી પડશે.
આનાથી મેડિકલ સારવારને બહાને વિદેશ જઇને પોતાના અંગત સગાંઓ સાથે સમય વિતાવી તંત્રની કામગીરીને ખોરંભે પાડવાની પ્રવૃત્તિ અમુક અંશે અટકશે તેવો તંત્રએ દાવો કર્યો છે.