નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના હેન્ડવારામાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઇ છે જેમાં પાંચ સુરક્ષા કર્મીઓ શહીદ થયા છે. ભીષણ અથડામણ હજુ પણ જારી હોવાના અહેવાલ મળ્યા છે. ઉત્તર કાશ્મીરના કૂંપવારા સ્થિત હેંડવારા સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અથડામણનો દોર ચાલી રહ્યો છે. અગાઉ આજે સવારે જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરીને બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ માહિતી આપતા કહ્યુ છે કે આજે સવારે કુપવાડાના હેન્દવારાના બાબાગુંડ ગામમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. બાતમી મળ્યા બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. અહીં બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્રાસવાદીઓની હાજરીમાં ગુપ્તચર માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી ત્યારે તમામ સાવચેતી રાખવામાં આવી હતી. અથડામણ દરમિયાન સુરક્ષા દળોને કોઇ નુકસાન થયુ નથી. આ પહેલા બુધવારના દિવસે શોપિયન જિલ્લામાં જેશના બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો પણ હાલમાં ઝીંકી છે.
રાજારી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોમાં હાલમાં વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તમામ ધાર્મિક સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ ગતિવિધી પર નજર છે.નાગરિક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવતા ભારે દહેશત પણ લોકોમાં ફેલાયેલી છે. સાથે સાથે કેટલાક લોકો તો અન્યત્ર પણ જતા રહ્યા છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે હાલમાં સામાન્ય લોકોમાં પણઁ આક્રોશ છે.
જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના દુસાહસને નિષ્ફળ કરવા સેના સજ્જ છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હજુ પણ મોટી સંખ્યામાં સ્થાનિક કટ્ટરપંથીઓ અને ત્રાસવાદીઓ છુપાયેલા હોવાના હેવાલ હાલમાં આવ્યા છે. જેથી તેમનો નિકાલ પહેલા જરૂરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે સેનાએ સર્ચ ઓપરેશન વધાર્યું અને શંકાસ્પદ જગ્યાએ ફાયરિંગ શરૂ કરતાં આતંકીઓએ વળતો જવાબ આપવાની શરૂઆત કરી હતી. નોંધનીય છે કે, આ પહેલાં ૨૭ ફેબ્રુઆરીએ સેનાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કમાન્ડરમાં જૈશના બે આતંકીઓને ઠાર કરી દીધા હતા. પુલવામા હુમલા પછીથી ખીણ વિસ્તારમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધનું અભિયાન ચાલુ છે.જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ૬૦ શરૂ કરવામાં આવ્યું છે. પુલવામા આતંકી હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ૬૦ શરૂ કર્યું છે. સેનાનું માનવું છે કે, ખીણમાં અંદાજે ૬૦ આતંકીઓ સક્રિય છે. તેમાંથી અંદાજે ૩૫ પાકિસ્તાની છે. પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાઝીને ઠાર કરવાથી શરૂ થયેલું અભિયાન હવે એક-એક કરીને જૈશના આતંકીઓને ખતમ કરવા સુધી ચાલશે. નોંધનીય છે કે, પુલવામા જૈશના આતંકી આદિલ અહમદ ડારે ૧૪ ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફની એક બસને ટાર્ગેટ કરવામાં આવી હતી. આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા.