મુંબઈ : માર્કેટ રેગ્યુલેટર સેબી બોર્ડે આજે બ્રોકર ફીને ઘટાડવા માટેની પ્રક્રિયાને લીલીઝંડી આપી હતી. સાથે સાથે સ્ટાર્ટઅપ માટે ધારાધોરણોને પણ હળવા કરી દીધા છે. આનાથી કારોબારમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં પણ તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. તમામ બાબતોને ધ્યાનમાં લઇને માર્કેટ રેગ્યુલેટર સેબીબોર્ડે આજે બ્રોકર, સ્ટોક એક્સચેંજ અને કંપનીઓ જે લિસ્ટેડ થવા માંગે છે તે પાસેથી લેવામાં આવતા ચાર્જ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યુલેટરે ઘટાડાની મંજુરી આપી દીધી છે. નવી પેઢીના સ્ટાર્ટઅપ માટે પ્રક્રિયાને હળવી કરવામાં આવી છે. ફંડ એકત્રિત કરવા માટે તથા શેરબજારમાં લિસ્ટેડ થવા માટે સમગ્ર પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવી છે.
સેબી બોર્ડે મૂડીરોકાણકારોને મદદરુપ થવા ધારાધોરણમાં નવા સેટને મંજુરી આપવામાં આવી છે. આવી કંપનીઓના રોકાણ માટે એક્રિડેટેડ મેળવવા માટે પણ મંજુરી આપવામાં આવી છે. નાણામંત્રી અરુણ જેટલીએ સેબી બોર્ડના સભ્યો અને ટોપના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ મંજુરી આપવામાં આવી છે. શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરુપે સેબી બોર્ડે ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગનો સામનો કરી રહેલા કોર્પોરેટ જગત માટે ધારાધોરણને હળવા કરવામાં આવ્યા છે. પસંદગીના કેસમાં અન્ય રાહતો પણ આપવામાં આવી છે. હાલમાં જ યોજાયેલી બેઠકમાં જેટલીએ કેટલાક સૂચનો કર્યા હતા.
સેબી ચેરમેન અજય ત્યાગી દ્વારા ભારતીય સિક્યુરિટી માર્કેટમાં હાલના ઘટનાક્રમ અંગે અરુણ જેટલીને વાકેફ કરવામાં આવ્યા હતા. સેબીની આજની મંજુરીને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના લિસ્ટિંગ માટે ધારાધોરણો હળવા કરવામાં આવ્યા છે. મની માર્કેટમાં વેલ્યુએશન સાથે સંબંધિત બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલી દરખાસ્તો ઉપર પણ ચર્ચા થઇ છે. કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં કારોબાર કરવા મ્યુચ્યુઅલ ફંડ, પોર્ટફોલિયો મેનેજર અને ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ ફંડને મંજુરી આપવામાં આવી છે.